‘ફાટી ને?’ એક ગુજરાતી હોરર-કોમેડી છે, જેની કહાની બે અજાણ્યા પોલીસ અધિકારીઓની આસપાસ ગૂંથાયેલી છે, જેઓ એક ભૂતિયા હવેલીમાં રાત્રિ પસાર કરવા મજબૂર થાય છે. જે મૂળે તેમની નોકરી બચાવવાનો એક પ્રયાસ હોય છે, તે પછી ધીમે ધીમે એક વિલક્ષણ સાહસમાં ફેરવાઈ જાય છે. ફિલ્મમાં રહસ્યમય ઘટનાઓ, વિચિત્ર એન્કાઉન્ટરો અને અણધાર્યા પડાવ દર્શકોને ચોંકાવશે. હાસ્ય અને હોરર વચ્ચેનો આ સમતોલ મિશ્રણ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે.

ફિલ્મના મુખ્ય પાત્ર પદમલાલ અને પરમલાલ નજદીકી મિત્રો છે, પણ તેમની હાસ્યાસ્પદ ભૂલોથી હંમેશા મૂંઝવણ ઉભી થાય છે. પરમલાલ, પદમલાલના દરેક પગલાંનું અનુકરણ કરે છે, જ્યારે પદમલાલ એક ઓસ્ટ્રેલિયન યુવતીના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં, મહેશ-નરેશના લોકપ્રિય ગીત ‘પાદરની આંબલી નીચે…’ પરના નૃત્ય દ્રશ્યો દર્શકોને હસાવી નાખશે. માવા પ્રેમીઓ તરીકે પદમલાલ અને પરમલાલની ભૂમિકાઓ કોમેડીનો નવો રંગ લાવે છે, અને માવા ફિલ્મના એક મોટા ટર્નિંગ પોઈન્ટ તરીકે સાબિત થાય છે.
શક્તિશાળી પાત્રો અને નાટકીય પ્રદર્શન
આકાશ ઝાલા ‘જંડ’ ના ભૂમિકા સાથે પ્રેક્ષકોને ડરાવે છે, તો ડેમિન ત્રિવેદી ‘બાબા ભૂત મારિનાં’ રોલમાં હસાવવાનું કામ કરે છે. ચેતન દૈયાએ ‘વિક્રમજીત’ ના પાત્રમાં ગજબની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે. આ ત્રણે પાત્રો ફિલ્મમાં રસપ્રદ મોડ લાવનારા છે.
વિશિષ્ટ શૂટિંગ લોકેશન અને ટેક્નોલોજી
આ સમગ્ર ફિલ્મ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફિલ્માવવામાં આવી છે, જે તેને એક આંતરરાષ્ટ્રીય સ્પર્શ આપે છે. ખાસ વાત એ છે કે આ ગુજરાતી સિનેમા માટે પહેલી ડોલ્બી એટમોસ સાઉન્ડ ફિલ્મ છે, જેનું સાઉન્ડ ડિઝાઈન એ. આર. રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. ફિલ્મમાં પહેલીવાર મોશન ટેક્નોલોજી નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હાસ્ય અને હોરર બંનેને વધુ જીવંત બનાવે છે.

સંગીત અને પાત્રોને જીવંત કરતું બેકગ્રાઉન્ડ સ્કોર
ફિલ્મમાં કુલ ચાર ગીતો છે, જેમાંથી બે ગીત ગુજરાતના સંગીતકાર સોડમ નાયક એ સ્વરબદ્ધ કર્યા છે, જ્યારે ત્રીજું ગીત ચેન્નઈના દીપક વેણુગોપાલમ નું છે. આ સાથે દીપકે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ તૈયાર કર્યું છે. ચોથું ગીત ‘પાદરની આંબલી નીચે…’ મહેશ-નરેશના હિટ સોંગમાંથી લેવામાં આવ્યું છે, જેને પ્રેક્ષકો ખાસ પસંદ કરી રહ્યા છે.

ગુજરાતી સિનેમામાં નવી શૈલીનો પ્રયાસ
‘ફાટી ને?’ માત્ર એક હોરર-કોમેડી નહીં, પરંતુ ગુજરાતી સિનેમાને એક નવો પરિબળ આપે છે. હાસ્ય અને હોરરનો અનોખો મિશ્રણ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર અનુભવ લાવશે. જો તમે ગુજરાતી ફિલ્મો અને અનોખા કોન્સેપ્ટના ચાહક છો, તો ‘ફાટી ને?’ ચોક્કસ તમારું ધ્યાન ખેંચી લેશે!