વીર્યનો સામાન્ય રિપોર્ટ હોવા છતાં ગર્ભધારણ ન થવો: પુરુષ વંધ્યત્વમાં સ્ટાન્ડર્ડ ટેસ્ટ કઈ બાબતો ચૂકી શકે છે

“સામાન્ય” વીર્યનો રિપોર્ટ અવારનવાર મોટી રાહત આપે છે. પરંતુ જ્યારે મહિનાઓ વીતી જવા છતાં ગર્ભધારણ ન થાય, ત્યારે ઘણા યુગલો મૂંઝવણમાં મુકાઈ જાય છે. પ્રજનન ક્ષમતાની સારવાર (ફર્ટિલિટી કેર)માં, નોર્મલ રિપોર્ટ હોવા છતાં ગર્ભધારણમાં થતા વિલંબ વચ્ચેનું આ અંતર જ એ દર્શાવે છે કે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગની મર્યાદાઓ ક્યાં નડે છે.

બિરલા  ફર્ટિલિટી એન્ડ આઈવીએફ , અમદાવાદના ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ. નિમિષા શાંતિલાલ પંડ્યા જણાવે છે કે, રૂટિન વીર્યની તપાસ સામાન્ય રીતે ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: શુક્રાણુઓની સંખ્યા, તેમની ગતિશીલતા અને તેમનો આકાર (મોર્ફોલોજી). પુરુષ પ્રજનન ક્ષમતાના મૂલ્યાંકનમાં આ માપદંડો ખૂબ જ ઉપયોગી છે અને તે પ્રથમ પગથિયું છે. જો કે, ગર્ભાધાન , ભ્રૂણના વિકાસ અથવા પ્રારંભિક ગર્ભાવસ્થા દરમિયાન શુક્રાણુઓ કેવી રીતે કાર્ય કરે છે તેનો સંપૂર્ણ ચિતાર આ ટેસ્ટ હંમેશા આપી શકતા નથી.

વીર્યની તપાસમાં જે રેફરન્સ વેલ્યૂઝ (પ્રમાણભૂત માપદંડો)નો ઉપયોગ થાય છે, તે ડૉક્ટરોને એ સમજવામાં મદદ કરે છે કે શુક્રાણુના મૂળભૂત માપદંડો અપેક્ષિત રેન્જમાં છે કે નહીં. પરંતુ આ પેરામીટર્સ રેન્જની અંદર હોવાનો અર્થ હંમેશા એવો નથી થતો કે પુરુષ તરફથી કોઈ સમસ્યા નથી. એક અંદાજ મુજબ, વંધ્યત્વના લગભગ અડધા કિસ્સાઓમાં કાં તો એકલા અથવા તો સ્ત્રીના પરિબળોની સાથે પુરુષના પરિબળો પણ જવાબદાર હોય છે. તેમ છતાં, કેટલાક યુગલોમાં શરૂઆતનો સીમેન રિપોર્ટ એકદમ નોર્મલ હોઈ શકે છે.

આનું કારણ એ છે કે શુક્રાણુઓનું સ્વાસ્થ્ય માત્ર તેની સંખ્યા, ગતિ અને આકાર કરતાં ઘણું વધારે વિસ્તૃત છે. આમાંનું એક મહત્વનું પાસું શુક્રાણુઓની ડીએનએ સંપૂર્ણતા છે. ડીએનએને થયેલું નુકસાન રૂટિન સીમેન એનાલિસિસ દ્વારા શોધી શકાતું નથી, પરંતુ તે ગર્ભાધાન, ભ્રૂણના વિકાસ અને ગર્ભાવસ્થાના પરિણામોને અસર કરી શકે છે. સંશોધનો દર્શાવે છે કે શુક્રાણુઓમાં વધુ પડતું ડીએનએ ફ્રેગમેન્ટેશન ગર્ભાવસ્થાના નીચા દર અને મિસકેરેજના ઊંચા જોખમ સાથે જોડાયેલું છે, એવા કિસ્સાઓમાં પણ જ્યાં વીર્યના મૂળભૂત માપદંડો સામાન્ય દેખાતા હોય.

શુક્રાણુ સંબંધિત અન્ય પરિબળો પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેમાં શુક્રાણુ સ્ત્રીબીજ (ઇંડા) સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે, તે સ્ત્રીબીજને સક્રિય કરવામાં કેવી રીતે મદદ કરે છે, અને ભ્રૂણના વિકાસની શરૂઆત કેવી રીતે આગળ વધે છે તેનો સમાવેશ થાય છે. આ બધી બાયોલોજિકલ પ્રોસેસ છે અને તે સ્ટાન્ડર્ડ સીમેન રિપોર્ટમાં જોઈ શકાતી નથી.

આ બાબત ખાસ કરીને આઇવીએફ અથવા આઈસીએસઆઈ ની સારવારમાંથી પસાર થઈ રહેલા યુગલો માટે વધુ સુસંગત બને છે. જો વીર્યનો રિપોર્ટ સામાન્ય હોવા છતાં વારંવાર આઇવીએફ સાયકલ નિષ્ફળ જતી હોય, ભ્રૂણનો વિકાસ નબળો થતો હોય, વારંવાર પ્રેગ્નન્સી લોસ થતી હોય અથવા વંધ્યત્વનું કોઈ સ્પષ્ટ કારણ ન મળતું હોય , તો ડૉક્ટરો વધુ ઊંડાણપૂર્વકની તપાસની સલાહ આપી શકે છે. ચોક્કસ કિસ્સાઓમાં, આમાં સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટિંગ અથવા એડવાન્સ સ્પર્મ સિલેક્શન પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે.

વીર્યની તપાસએ સારવારની શરૂઆતનું એક અનિવાર્ય અને મહત્વનું પગથિયું છે, પરંતુ તે હંમેશા સંપૂર્ણ જવાબ નથી હોતું. જ્યારે રિપોર્ટ્સ નોર્મલ દેખાતા હોય છતાં પણ ગર્ભધારણ ન થતો હોય, ત્યારે બંને પાર્ટનર્સ ની વિગતવાર તપાસ થવી જોઈએ. કાગળ પર જે દેખાય છે તેનાથી આગળ વધીને ઊંડાણપૂર્વક જોવાથી એવા પરિબળોને ઓળખવામાં મદદ મળી શકે છે, જેના પર ફર્ટિલિટી સારવાર દરમિયાન વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *