અમદાવાદ, ગુજરાત | 6 જૂન, 2026
ભારતના પ્રતિભાશાળી વિશ્વ રેકોર્ડ ધારકો અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આયોજિત 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ (GIAA 2026) અમદાવાદ ખાતે ભવ્ય રીતે યોજાયો. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન જિનિયસ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત કરાયેલા ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો તેમજ વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાવન સોલંકી, ફાઉન્ડર – વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે, “જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડનો મુખ્ય હેતુ દેશના વિશ્વ રેકોર્ડ ધારકો, પ્રતિભાશાળી વ્યક્તિઓ અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર લોકોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અને સન્માન આપવાનો છે. છેલ્લા દસ વર્ષથી આ એવોર્ડ દ્વારા હજારો પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું છે અને સમાજમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાની ભાવનાને બળ મળ્યું છે.”
સમારોહ દરમિયાન મહાનુભાવોએ જણાવ્યું હતું કે ભારતની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવીનતાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે આવા એવોર્ડ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ માત્ર સિદ્ધિઓનું સન્માન નથી કરતો, પરંતુ યુવા પેઢીને નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરણા પણ આપે છે.
આયોજકો દ્વારા જણાવાયું હતું કે છેલ્લા 9 વર્ષમાં 500થી વધુ ભારતીય વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા નાગરિકોને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જેના કારણે સમાજમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાની ભાવના વધુ મજબૂત બની છે.
આ એવોર્ડ સમારોહમાં બાવળીયાળી ધામના મહામંડલેશ્વર શ્રી રામબાપુ, અમદાવાદ કલેક્ટર શ્રી અમિત દોશી, જાણીતા અભિનેતા અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર મયુર વાકાણી, શ્રીમતી સુરેખાબા હોસ્પિટલના ડૉ. રણજીતસિંહ જોજા તથા IAS અધિકારી શ્રી આલોક પાંડે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ કેતન પટેલની સંસ્થા “તડકો – ધ એસેન્શિયલ” દ્વારા રજૂ કરાયેલ સ્પેશિયલી એબલ્ડ યુવતીઓ અને મહિલાઓનો ફેશન શો રહ્યો હતો. આ અનોખા અને પ્રેરણાદાયી ફેશન શોમાં 15 સ્પેશિયલી એબલ્ડ મહિલાઓએ આત્મવિશ્વાસ અને પ્રતિભાનું પ્રદર્શન કરીને સૌનું મન મોહી લીધું હતું. તેમના ઉત્સાહ, સંકલ્પશક્તિ અને જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમે ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકોને પ્રેરિત કર્યા હતા. અને આ પ્રસંગે ભારતની સૌથી નાની પિયાનિસ્ટ બેનઝીર દ્વારા શાનદાર પિયાનો પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. તેમની અસાધારણ સંગીત પ્રતિભાએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બેનઝીરની આ અનોખી રજૂઆત કાર્યક્રમના યાદગાર અને પ્રેરણાદાયી પળોમાંની એક બની રહી હતી.
સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે તેમની સિદ્ધિઓ દેશ માટે ગૌરવની બાબત છે અને તેઓ આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.
વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહ પ્રતિભા, પરિશ્રમ, સામાજિક સમરસતા અને અસાધારણ સિદ્ધિઓના ઉત્સવ તરીકે યાદગાર બન્યો.
