અમદાવાદ: જ્યારે જંગલનો રાજા અને જગદંબાનો અંશ એક જ શ્વાસે ધબકે, ત્યારે પ્રકૃતિ માત્ર દ્રશ્ય નથી રહેતી—તે સાક્ષાત પરચો બની જાય છે! ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક નવો અને ભવ્ય અધ્યાય લખવા જઈ રહેલી ફિલ્મ ‘અંબા’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય નાટકો તેમજ સુપરહિટ ફિલ્મ ‘લાલો’ આપનાર નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત અને ‘કસૂંબો’ તથા ‘૨૧મું ટિફિન’ જેવી યાદગાર ફિલ્મોના સર્જક, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ઉચ્ચ પ્રોડક્શન સ્કેલ, આંતરરાષ્ટ્રીય સ્તરના VFX અને ભવ્ય વિઝ્યુઅલ અનુભવ સાથે 11 ડિસેમ્બર, 2026ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
પરંપરાગત શહેરી કે પારિવારિક વાર્તાઓના ચોકઠા તોડીને ‘અંબા’ દર્શકોને ગીરના એવા ગૂઢ અને આધ્યાત્મિક જંગલમાં લઈ જાય છે, જ્યાં માંસાહારી વન્યજીવો અને શાકાહારી માલધારીઓ કોઈ સંઘર્ષ વિના અદભૂત સંવાદિતા સાથે સહજીવન જીવે છે. ટ્રેલરમાં બાળપણથી જ સિંહના બચ્ચાને ‘વનરાજ’ કહીને ઉછેરતી અંબા (રીવા રાચ્છ) અને વનરાજ વચ્ચેની નિર્દોષ દોસ્તી, અતૂટ વિશ્વાસ અને ભાવનાત્મક બંધન કાળજું કોરી નાખે તેવું છે. હાથમાં ડાંગ લઈને કૂદતી માલધારી કન્યાને જોઈ વન વિભાગના અધિકારી (દર્શન પંડ્યા) ગર્વથી કહે છે કે, “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!”, તો વિદેશી પ્રવાસીને આ રહસ્યમય કન્યા વિશે ‘માંગળાની ભૂતાવળ’ તરીકે ઓળખ આપવામાં આવે છે.
પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં અહંકારની કસોટી પણ થાય છે. જંગલની શાંતિ ડહોળવા શિકારીઓની ગેંગ સક્રિય થાય છે અને ઘમંડમાં રાચતો શિકારી (જગજીતસિંહ વાઢેર) “વનરાજ ગીરનો કુતરો કહેવાય, જંગલનો રાજા માત્ર એક જ છે, લાલજી” જેવો પડકાર ફેંકે છે. સાવજને બચાવવા વન વિભાગના અધિકારી શિકારીઓ સામે બાથ ભીડે છે, ત્યારે કુદરતના રહસ્યને સમજાવતા વડીલ માતાજીને પ્રાર્થના કરે છે કે, “કૃપા કરો માં, આ ગીરમાં તમે જોગણી થઈને પૂજાશો.” અને પછી શરૂ થાય છે રૌદ્ર તાંડવ, શિકારીઓ સામે જગદંબાના અવતારમાં ‘અંબા’ની એન્ટ્રી થાય છે અને ગુંજતા વોઈસઓવરમાં સંભળાય છે કે, “એ દીકરી માથે જગદંબાનો પાલો છે. અને ઈ સાવજ, સાક્ષાત નરસિંહનો અવતાર, એ લીલા મારી માવડીની છે અને પરચો ગેબીનાથનો. અલખ નિરંજન.” પાણીમાંથી નીકળતી અંબા અને વનરાજના દિલધડક દ્રશ્યો તથા ઉચ્ચ કક્ષાના VFX ગુજરાતી સિનેમાના ટેકનિકલ માપદંડોને નવી ઊંચાઈએ લઈ જાય છે.
અભિનયની વાત કરીએ તો ‘લાલો’ ફેમ રીવા રાચ્છ મુખ્ય શીર્ષક પાત્ર ‘અંબા’ના પાવન અને સશક્ત રોલમાં છવાઈ જાય છે, તો તેમની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ ટ્રેલરમાં ખાસ ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, આકાશ ઝાલા, સ્વાતિ દવે, ફિરોઝ ઈરાની અને રિદ્ધિ ડાંગર મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન્સ (Vijaygiri FilmOs Productions) ના બેનર હેઠળ, શ્રી પરિમલ નાથવાણીના આશીર્વાદ સાથે ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત અને ટ્વિંકલ વિજયગિરી સહ-નિર્મિત આ ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે. વિજયગીરી બાવાની વાર્તા અને પટકથા સાથે જાણીતા લેખક રામ મોરીના ચોટદાર સંવાદો, ગાર્ગેય ત્રિવેદીની જાદુઈ સિનેમેટોગ્રાફી અને કેદાર-ભાર્ગવના કર્ણપ્રિય સંગીતે આ કૃતિને જીવંત બનાવી છે.
‘અંબા’ એ ગીરની ધરતીનો આત્મા, માલધારીઓની અડગ શ્રદ્ધા અને સાવજ સાથેની અતૂટ મૈત્રીની ગર્જના છે, જ્યાં પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ કોઈ કાયદા કે સરહદનો મોહતાજ નથી, પરંતુ આસ્થા અને સાહસનો જીવંત સંવાદ છે. ગુજરાતી સિનેમાને ભવ્યતા, સંવેદના અને નવી દિશા આપતી આ મહાગાથા ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ મોટા પડદા પર ગર્જના કરવા આવી રહી છે, જે દરેક દર્શકને પસંદ આવશે.
ટ્રેલર લિંક: http://www.youtube.com/watch?v=E4lb0lsbGPU
