આસ્થા અને ભક્તિનો અદ્ભુત સંગમ, ‘કિંગ ઓફ સાળંગપુર’ નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ

સાળંગપુર ધામનો મહિમા હવે સિનેમાઘરોમાં, ‘કિંગ ઓફ સાળંગપુર’નું શાનદાર ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ

Gujarat:24th October,2026:  ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ નું  પોસ્ટર અને ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે દર્શાવતી આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રજૂ થશે. આ ફિલ્મ સાળંગપુર દાદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિની એક અનોખી વાર્તા સિનેમાના વિશાળ પડદે રજૂ કરશે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આ એક અમર ગાથા બની રહે તેવા ભવ્ય સ્કેલ પર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં રિલીઝ થયેલા પોસ્ટરમાં સાળંગપુર મંદિરની ભવ્યતા અને આકાશમાં વાદળો વચ્ચેથી આશીર્વાદ આપતા હનુમાનજી દાદાની દિવ્ય આકૃતિ અદ્ભુત રીતે દર્શાવવામાં આવી છે. પોસ્ટર પર અંકિત થયેલી પવિત્ર પંક્તિઓ “सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना” ફિલ્મના આધ્યાત્મિક ભાવ અને રક્ષણના સંદેશને સંપૂર્ણપણે સાર્થક કરે છે. પોસ્ટરમાં ત્રણ પાત્રોને મંદિર તરફ શ્રદ્ધાભેર આગળ વધતા જોઈ શકાય છે, જે દર્શકોને આસ્થાની એક અનોખી સફરનો અહેસાસ કરાવે છે. પોસ્ટરની સાથે રિલીઝ થયેલું હૃદયસ્પર્શી ટીઝર પણ સોશિયલ મીડિયા પર દર્શકોના ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સોશિયલ મીડિયા પર ‘જય સાળંગપુર દાદા!’ ના નાદ સાથે ચાહકો આ ટીઝરને જબરદસ્ત પ્રતિસાદ આપી રહ્યા છે અને તેને વ્યાપક પ્રમાણમાં શેર કરી રહ્યા છે. શ્રદ્ધા, ભક્તિ અને ભવ્યતાથી સભર આ ફિલ્મ આગામી ૨૭ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. દર્શકો હવે આતુરતાપૂર્વક ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.

આ ભવ્ય પ્રોજેક્ટમાં ગુજરાતી મનોરંજન જગતના જાણીતા અને ઉમદા કલાકારોનો જમાવડો જોવા મળશે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન, મયૂર કુમાર, સાગર પંચાલ, હરિકૃષ્ણ દવે, ભરત ઠક્કર, હેતલ બારોટ, કલ્પેશ પટેલ, નિહારિકા દવે, મીત, અતુલ પ્રજાપતિ, પ્રથમ, પરેશ શુક્લા અને મહેશ કોટેચા સહિતના પ્રતિભાશાળી કલાકારો પોતાના અભિનયના ઓજસ પાડશે.

આ ભક્તિપ્રધાન ફિલ્મનું નિર્દેશન પ્રશાંત દેશાવલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા તરીકે ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર અને આનંદ અઘારા જોડાયેલા છે. જ્યારે હાર્દિક ગડારા સહ-નિર્માતા અને મોહિત વઘાસિયા ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મ વિદેશમાં ઓએમજી   પિક્ચર્સ દ્વારા રિલીઝ કરવામાં આવશે.

પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ની ભવ્ય સફળતા બાદ, ઝી સ્ટુડિયોઝ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા ગુજરાતી સિનેમામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા અને પ્રાદેશિક માર્કેટમાં વધુ ઊંડે સુધી પહોંચવા માટે સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *