અમદાવાદમાં પીસમેકર મનશ્રી દ્વારા શ્રદ્ધા, સંસ્કૃતિ અને ઉત્સાહ સાથે ‘અમૃતાયુ આનંદોત્સવ’ ગુજરાત એડિશનની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ:

છેલ્લા ૧૭ વર્ષથી વિશ્વના વિવિધ ખૂણે પીસમેકર મનશ્રી દ્વારા ‘અમૃતાયુ આનંદોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. આ વખતે તેની ગુજરાત એડિશન માટે અમદાવાદ સ્થિત ‘સનશાઇન લેબ’ (Sunshine Lab) વેન્યુ બન્યું હતું, જ્યાં સનશાઇન લેબ અને સહ-આયોજક (Co-host) રિદ્ધિ પટેલના સાથ-સહકારથી નવરાત્રિ, દુર્ગા પૂજા અને દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ‘અમૃતાયુ આનંદોત્સવ’નું ભવ્ય અને સફળ આયોજન સંપન્ન થયું છે. આ અનોખા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભારતીય સાંસ્કૃતિક વારસા, નૈતિક મૂલ્યો અને સંસ્કારોથી જોડવાની સાથે આધુનિક શિક્ષણ તથા સામાજિક સમરસતાનો સંદેશ આપવાનો હતો. થલતેજ મથુરાનગરી વિસ્તારના બાળકો અને જાણીતા સામાજિક શિક્ષિકા રુપલ બારોટની ખાસ ઉપસ્થિતિ સાથે કાર્યક્રમનો ભાવભીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી સભર આ સાંજે બાળકો માટે અનેક વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા હતા. સનશાઇન લેબ કૂકિંગ એકેડેમીના નિષ્ણાત સુષમા લામાના માર્ગદર્શન હેઠળ બાળકોએ હનુમાનજી થીમ પર આધારિત કેસર કપકેક બનાવવાની વર્કશોપમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ, વકીલ અને POCSO એડવોકેટ અનીશા કપૂર દ્વારા માં દુર્ગાની શૌર્યગાથા અને આત્મબળ પ્રેરિત કરતી વાર્તા સત્રનું આયોજન કરાયું હતું, જેણે બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાળકોના મનોરંજન માટે ‘ઇરિડેસન્ટ બબલ સ્પ્રેક્ટેકલ’ (રંગબેરંગી પરપોટાનો જાદુઈ શો) યોજાયો હતો, જેણે સમગ્ર વાતાવરણને આનંદ અને કિલકિલાટથી ભરી દીધું હતું. આ સાથે જ બાળકોના વૈજ્ઞાનિક અભિગમ અને વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે ખાસ ‘STEM પ્લે અને એક્સપ્લોરેશન’ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ બાળકો માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના કો-હોસ્ટ રિદ્ધિ પટેલ (સામાજિક ઉદ્યોગસાહસિક અને પેરન્ટિંગ કોચ) આધુનિક STEM શિક્ષણ અને ભારતીય વારસાના સમન્વય દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. શરણ દિલ્હીવાલા અને બિહાગ શ્રીનિવાસ દ્વારા કાર્યક્રમની સુંદર ક્ષણોને ફોટોગ્રાફીના માધ્યમથી કંડારવામાં આવી હતી. આ પ્રસંગે જોધપુર આર્ટ ગેલેરી (AMC) અને શ્રી અમિત બારોટ તરફથી મળેલા વિશેષ સહયોગ અને પ્રોત્સાહન બદલ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *