આજના આધુનિક સમયમાં દેશ સામે એક નવો અને ગંભીર પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ સતત વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, અને યુવાનો દિશાહીન બની રહ્યા છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક પૂજ્ય વિરલબાપુએ અમદાવાદમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.
પૂજ્ય વિરલબાપુએ ભારપૂર્વક જણાવ્યું કે, “આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પરંતુ ડ્રગ્સ સામે, ડિપ્રેશન સામે, પરિવારના વિખવાદ સામે અને સંસ્કારના સંકટ સામે લડવાનું છે. જો આપણે આજે યુવાનોને સાચી દિશા નહીં આપીએ તો આવતીકાલે માત્ર અર્થતંત્ર નહીં, પરંતુ સમગ્ર સમાજને તેની મોટી કિંમત ચૂકવવી પડશે.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભગવાનને સોનાના મંદિરોની જરૂર નથી; ભગવાનના સંતાનોનું જીવન સોનેરી બનવું જોઈએ.
આ સંકટમાંથી સમાજને ઉગારવા માટે ટ્રસ્ટ દ્વારા રાજ્યવ્યાપી ડ્રગ્સમુક્તિ અભિયાન, યોગ અને ધ્યાન કેન્દ્રો, પરિવાર સંસ્કાર અભિયાન, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, યુવા વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો અને મૂલ્યઆધારિત શિક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે. સેવા પ્રવૃત્તિઓની શૃંખલામાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વિશાળ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે, જ્યારે ગૌરી વ્રત દરમિયાન દીકરીઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય અભિયાન હેઠળ પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ, આર્થિક સંકટનો સામનો કરતા ગરીબ પરિવારો માટે ચાણોદ ખાતે ‘મા મકરવાહિની મોક્ષધામ ફાઉન્ડેશન’ હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા અને નિઃશુલ્ક મોક્ષસેવાની જાહેરાત કરાઈ છે. બાપુએ દેશના ડૉક્ટરો, શિક્ષણ સંસ્થાઓ અને યુવાનોને આહ્વાન કર્યું છે કે જ્યાં એક વ્યસની યુવાનને નવું જીવન મળે અને ગરીબને સહારો મળે, ત્યાં જ ઈશ્વરનો સાચો વાસ છે.

ધર્મને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાનો સમય આવી ગયો છે : પૂજ્ય વિરલબાપુ
ભારત હજારો વર્ષોથી આધ્યાત્મિકતા અને સંસ્કારનો માર્ગ બતાવતું આવ્યું છે, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં નવી પેઢીને રૂઢિચુસ્તતા નહીં પણ તર્ક અને પુરાવા જોઈએ છે. આ બાબતને સ્વીકારીને અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ “ધર્મ અને વિજ્ઞાનના સમન્વય” દ્વારા સેવા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણના રાષ્ટ્રીય સંકલ્પ સાથે મેદાનમાં આવ્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂજ્ય વિરલબાપુએ આ નવીન અભિગમની વિગતો આપી હતી.
પૂજ્ય વિરલબાપુએ જણાવ્યું, “આજની નવી પેઢી અંધશ્રદ્ધા નહીં, પરંતુ તર્ક, વિજ્ઞાન અને પુરાવાને સ્વીકારે છે. તેથી ધર્મને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાનો સમય આવી ગયો છે. આ હેતુસર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાં “વિજ્ઞાન અને ધર્મ – Two Sides of One Coin” અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં ગાયના ઘીનો દીવો, યજ્ઞ, તિલક, આરતી, તુલસી, પીપળા, ઉપવાસ અને અન્ય વૈદિક પરંપરાઓ પાછળ રહેલા વૈજ્ઞાનિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પાસાઓને સરળ ભાષામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે.”
તેમણે ઉમેર્યું કે અંતિમધામ આશ્રમનું કાર્ય આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વય પર જ આધારિત છે. આશ્રમમાં વૈદિક શિક્ષણ, આયુર્વેદ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ દ્વારા આત્મનિર્ભર સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. આ વૈજ્ઞાનિક અભિગમ સાથે જ ટ્રસ્ટ દ્વારા રાજ્યવ્યાપી ડ્રગ્સમુક્તિ અભિયાન, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને યુવા વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો ચલાવાશે. સાથોસાથ સામાજિક જવાબદારીના ભાગરૂપે ગૌરી વ્રતમાં દીકરીઓ માટે પોષણ અભિયાન, ગુરુ પૂર્ણિમાએ રક્તદાન અને ચાણોદ ખાતે ગરીબ પરિવારો માટે નિઃશુલ્ક મોક્ષસેવા (અસ્થિ વિસર્જન) પૂરી પાડવામાં આવશે. બાપુએ આહ્વાન કર્યું કે ધર્મનો સાચો અર્થ માનવસેવા અને પ્રકૃતિનું રક્ષણ છે, ભગવાનને સોનાના મંદિરોની નહીં પણ સંતાનોના સોનેરી જીવનની જરૂર છે.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે જીવતી નવી પેઢીને સનાતન ધર્મના મૂળભૂત મૂલ્યો અને તેની પાછળ છુપાયેલા ગૂઢ વિજ્ઞાનથી માહિતગાર કરવા અમદાવાદના અગ્રણી સામાજિક સંગઠન અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ વૈજ્ઞાનિક અભિગમ સાથેનું નવું સામાજિક અને શૈક્ષણિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના નેજા હેઠળ પૂજ્ય બાપુએ અમદાવાદમાં આગામી પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, આજના ‘જેન ઝી’ એટલે કે આધુનિક યુવાનોને જો ધાર્મિક પરંપરાઓ પાછળના લોજિકલ અને ટેકનિકલ કારણો ન સમજાવવામાં આવે, તો તેઓ સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “વિજ્ઞાન અને ધર્મ: ટુ સાઇડ ઓફ વન કોઈન” પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સવારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી થતા ફાયદા, શિખા રાખવી, ચાંદલો કરવો, આરતી ઉતારવી કે પીપળે પાણી રેડવા પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે તે તમામ ગૂઢ રહસ્યોને સરળ અને તાર્કિક ભાષામાં બાળકો અને યુવાનો સમક્ષ ‘ડીકોડ’ કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ અંધશ્રદ્ધા મુક્ત થઈ સાચી વૈદિક સંસ્કૃતિને અપનાવી શકે.

શહેરી યુવાધનમાં વધી રહેલા ડિપ્રેશન, પરીક્ષાના ડર અને ચિંતાજનક રીતે પગપેસારો કરી રહેલા ડ્રગ્સ જેવા જીવલેણ વ્યસનો સામે પણ અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મોટું માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિનું મહા-અભિયાન છેડવામાં આવ્યું છે. પૂજ્ય બાપુએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આજની ભાગદોડ ભરી જિંદગીમાં જો યુવાનોની ઉર્જાને વ્યાયામ, યોગ, મેડિટેશન અને ગૌ-સેવા તરફ ડાયવર્ટ કરવામાં નહીં આવે, તો તેઓ ગેરમાર્ગે દોરાઈ જશે. આ માટે ટ્રસ્ટ દ્વારા માતા-પિતાને પણ પોતાના વૈભવ પાછળ દોડવાને બદલે બાળકોના ઉછેર માટે સમય ફાળવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વૈદિક યજ્ઞ પરંપરાના ફાયદા સમજાવતા ભોપાલ ગેસ દુર્ઘટનાનું ઉદાહરણ અપાયું હતું, જેમાં નિયમિત હવન કરતા પરિવારો ઝેરી ગેસની અસરોથી સુરક્ષિત રહ્યા હતા. ગાયના છાણા અને ઘીની આહુતિથી ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે અને પંચમહાભૂત તત્વોનું સંતુલન જાળવે છે, જેના કારણે ટ્રસ્ટ દ્વારા શહેરી પરિવારોને વર્ષમાં એકવાર ઘરે યજ્ઞ કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.
સામાજિક જવાબદારીના ભાગરૂપે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કેમ્પમાં એકત્રિત થનારું રક્ત અમદાવાદ રેડક્રોસ સોસાયટી અને સરકારી હોસ્પિટલોના જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં મોકલવામાં આવશે. તેની સાથે જ, ચાલુ માસે આવતા પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે ગણપતપુરા ગામની અંદાજે 70 જેટલી નાની બાળકીઓ (જેમાંથી વ્રત કરતી 35 થી 40 દીકરીઓ) ના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટ દ્વારા તેમને ખાસ સિંગતેલમાં બનેલી શુદ્ધ વેફર્સ અને પૌષ્ટિક સુકામેવાનું (ડ્રાયફ્રૂટ્સ) વિતરણ કરવામાં આવશે, જેથી વ્રત દરમિયાન સી-સોલ્ટ (દરિયાઈ નમક) નો ત્યાગ કરીને દીકરીઓને સાત્વિક ઉર્જા મળી રહે.
અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બે અત્યંત મહત્વાકાંક્ષી અને પરોપકારી પ્રોજેક્ટ્સનું પણ એલાન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ ‘વૃંદાવન ધામ’ છે, જ્યાં સંપૂર્ણ માટી અને લીપણથી સજ્જ ૧૦૦૦ નંદીઓ માટે ભવ્ય ‘નંદી શાળા’, નર્મદા પરિક્રમાવાસીઓ માટે ‘અન્નપૂર્ણા ભંડાર’, પવિત્ર ‘મા ખોડલ ઘાટ’ અને વડીલો માટે વિશેષ ‘વૃદ્ધાશ્રમ’ નું નિર્માણ કરવામાં આવશે. જ્યારે બીજો પ્રોજેક્ટ ચાણોદ ખાતે ‘મા મકરવાહિની મોક્ષધામ ફાઉન્ડેશન’ નો છે, જ્યાં પોતાના સ્વજનોના અસ્થિ લઈને આવતા લોકો માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક અસ્થિ વિસર્જનની ધાર્મિક વિધિ કરી આપવામાં આવશે. પૂજ્ય બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો દેશના સક્ષમ ધર્મગુરુઓ અને ધાર્મિક ટ્રસ્ટો મંદિરોમાં રહેલી સંપત્તિનો સાચો અને દુરંદેશી ઉપયોગ કરે, તો રાષ્ટ્રના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારનું સ્તર વૈશ્વિક સ્તરે ખૂબ ઊંચું આવી શકે છે.
