Rajkot: ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય કથાઓ અને ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાને જીવંત કરતી ફિલ્મ “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” વિશ્વભરમાં આધ્યાત્મિક ઉત્સાહ જગાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશોમાં દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મના મુખ્ય કલાકારો સિદ્ધાર્થ ગુપ્તા, સંસ્કૃતિ જયાના, દિગ્દર્શક હાર્દિક ગજ્જર અને નિર્માતા સજ્જન રાજ કુરુપ તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં ચાહકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં યુવાનો, પરિવારો અને બાળકોમાં ફિલ્મને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રામ મોરીના લોકપ્રિય પુસ્તક “સત્યભામા” પરથી પ્રેરિત આ ફિલ્મમાં શ્રીકૃષ્ણના જીવનની લાગણીસભર અને ભવ્ય રજૂઆત કરવામાં આવી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા (શ્રીકૃષ્ણ), સુષ્મિતા ભટ્ટ (રાધા), નિવાશિની કૃષ્ણન (રુક્મિણી), સંસ્કૃતિ જયાના (સત્યભામા) અને જે. કાર્તિક (સત્રાજિત)ના અભિનયને વિશેષ પ્રશંસા મળી રહી છે.

વિશ્વભરના સિનેમાઘરોમાં ફિલ્મને માત્ર મનોરંજન તરીકે નહીં પરંતુ ભક્તિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા વિશેષ અનુભવ તરીકે જોવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ભક્તિમય વિડિયો અને ભાવનાત્મક પ્રતિસાદ વાયરલ થઈ રહ્યા છે.
