અમદાવાદ: અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ, 2026 ના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય રાઈનોપ્લાસ્ટી વર્કશોપ ‘RHINOCRAFT 2026’ નું આયોજન કરાયું છે.આશ્વી ઈએનટી હોસ્પિટલના ડૉ. મનીષ ગોયલ અને ડૉ. મિહિર મેહતા અને ‘એસોસિએશન ઓફ ઓટોલેરીંગોલોજિસ્ટ્સ ઓફ ઈન્ડિયા (AOI) – અમદાવાદ બ્રાન્ચ’ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ENT સર્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્કશોપના મુખ્ય આકર્ષણ લંડન અને દુબઈના વિશ્વવિખ્યાત સર્જન ડો. બશર બિઝરાહ રહ્યા હતા, જેમણે બે દિવસ દરમિયાન અનેક જટિલ લાઈવ સર્જરીઓ દ્વારા નાકની સુંદરતા અને કાર્યક્ષમતા વધારવા માટેની અત્યાધુનિક ‘એડવાન્સ રાઈનોપ્લાસ્ટી’ તકનીકોનું જીવંત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રતિભાગી તબીબોને ઓપરેશન થિયેટરમાંથી સીધું પ્રસારણ બતાવીને સર્જરીની બારીકાઈઓ અને નવીનતમ પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માત્ર સર્જરી જ નહીં, પરંતુ જ્ઞાનવર્ધક શૈક્ષણિક સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના જાણીતા પ્લાસ્ટિક સર્જન ડો. વેંકટા રમણ યામિનીએ લાઈવ સર્જરી દ્વારા નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ડો. રિઝવાન મેનન, ડો. મનાલી કાકડિયા, ડો. પ્રતીક શાહ, ડો. નિશ્ચલ નાયક, ડો. કપિલ સોની અને ડો. સુજય જોશી જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ નાકની એનાટોમી, દર્દીઓની પસંદગી, જન્મજાત ખામીઓ (Cleft) અને જટિલ રિવીઝન સર્જરી જેવા વિવિધ મહત્વના વિષયો પર વ્યાખ્યાન આપ્યા હતા. આ વર્કશોપ દ્વારા યુવા સર્જનોને આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડો અને આધુનિક મેડિકલ ટેકનોલોજીના ઉપયોગ વિશે શીખવાની અમૂલ્ય તક મળી હતી. સમાપન સમારોહમાં આયોજકોએ જણાવ્યું હતું કે અમદાવાદ હવે મેડિકલ ક્ષેત્રે વૈશ્વિક સ્તરના શૈક્ષણિક કાર્યક્રમો માટેનું હબ બની રહ્યું છે. બે દિવસીય સઘન તાલીમ બાદ તમામ સહભાગી તબીબોને પ્રમાણપત્ર એનાયત કરી હાઈ-ટી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
