Ahmedabad:
લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુના 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ (સુપરમેન અને સુપરવીમેનના જીવનસૂત્ર) અને અમદાવાદ.કોમ (મળીએ અનેરા અમદાવાદીઓને!)નો વિમોચનનો પ્રસંગ એલિસબ્રીજ જીમખાનામાં (Ellisbridge, Gymkhana, Ahmedabad) એક ઉત્સવની જેમ ઉજવાયો હતો. નવસર્જન પબ્લિકેશન દ્વારા સંપાદિત આ બંને પુસ્તકોના વિમોચન પ્રસંગે ડો. શ્રી ભાગ્યેશ જ્હા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય) ખાસ કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત, ડો. શ્રી જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ભાષા નિયામક, ગુજરાત રાજ્ય)ની પણ વરદ હાજરી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અલ્પાએ શાહ (લેખિકા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિમોચન પ્રસંગને શ્રી શામિકભાઈ શાહ (હોન. સેક્રેટરી, એલિસબ્રિજ જીમખાના ક્લબ) દ્વારા ખાસ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
પાર્થિવી અધ્યારુ એ વધુમાં જણાવ્યું હતું કે, “જીવેમ શરદ: શત્ મ પુસ્તકમાં 80ની આસપાસની ઉંમરના વડિલોની વાતો છે કે જેઓ આટલી ઉંમરે પણ એકદમ સ્વસ્થ જીવન જીવે છે. તેમની દિનચર્યા, જીવનસૂત્રો, અનુભવો વગેરેમાંથી આજની યુવા પેઢી પ્રેરણા લે તેની વાત કરવામાં આવી છે. અમદાવાદ.કોમ પુસ્તકમાં એવા પ્રેરણાત્મક વ્યક્તિઓની વાત છે કે જેઓએ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઇને નામના મેળવી છે.”
૯૯ વર્ષના યુવાન ગોલ્ફર દાદા, ૯૫ વર્ષના માસ્ટરમાઈન્ડ દાદીમા, ૮૫ વર્ષના સરળ આચાર્ય, ૮૩ વર્ષમાં રમતા નેવરટાયર્ડ પ્રોફેસર, ૮૧ વર્ષના વ્યક્તિ કે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગાંધીનગરમાં આવેલી યુનિવર્સિટીના પ્રેરણાદાયી વાઈસચાન્સેલર છે તથા પોતાના શોખને જીવંત રાખીને કેન્સર જેવા અસાધ્ય રોગને હરાવનાર યુવતી જેવા અનેક પ્રેરણાત્મક વ્યક્તિઓના જીવનસૂત્ર આ પુસ્તકોમાં કંડાર્યા છે!”
ઉલ્લેખનીય છે કે આ બંને પુસ્તકો સત્ય ઘટનાઓ પર આધારિત છે અને વાંચન કરનાર કોઈપણ વ્યક્તિ તેમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં સફળ થઈ શકે છે.