40 વર્ષ બાદ ફરી ફિલ્મ મેરુ માલણ : નવી  ટેક્નોલોજી અને 5.1 ડોલ્બી સાઉન્ડ સાથે ફરી મોટા પડદા પર આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘મેરુ માલણ’

અમદાવાદ: ગુજરાતી ફિલ્મજગતની યાદગાર અને લોકપ્રિય ફિલ્મ ‘મેરુ માલણ’ લગભગ ૪૦ વર્ષ બાદ ફરી એકવાર નવા રૂપ-રંગ અને આધુનિક ટેક્નોલોજી સાથે દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગની આ લોકપ્રિય ફિલ્મને આધુનિક ટેક્નિકલ ટ્રીટમેન્ટ સાથે 5.1 ડોલ્બી સાઉન્ડમાં તૈયાર કરવામાં આવી છે.

મેહતા ફિલ્મ્સના શ્રી કિરીટ મહેતા દ્વારા આ યાદગાર ફિલ્મનું પુનઃપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારના અવસરે ૯ નવેમ્બરથી ‘મેરુ માલણ’ ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ થશે.

ફિલ્મના પુનઃપ્રદર્શન પૂર્વે આજે અમદાવાદના શાહઆલમ સ્થિત એપલ મલ્ટિપ્લેક્સ ખાતે ફિલ્મનો વિશેષ શો યોજવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે ગુજરાતી ફિલ્મજગતના જાણીતા કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્વર્ગસ્થ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર શ્રી નરેશ કનોડિયાના પુત્ર અને લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયા તથા મોના થીબા, જાણીતા અભિનેતા ફિરોઝ ઈરાની તેમજ GIFA (Gujarati Iconic Film Awards) ના પ્રેસિડેન્ટ શ્રી હેતલ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ ફિલ્મના પુનઃપ્રદર્શનને ગુજરાતી સિનેમાના ઇતિહાસ અને વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ ગણાવ્યો હતો.

હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, “મેરુ માલણ’ જેવી ફિલ્મો માત્ર મનોરંજન નથી, પરંતુ ગુજરાતી સિનેમાની અમૂલ્ય ધરોહર છે. મારા પિતાશ્રી સ્વર્ગસ્થ નરેશ કનોડિયાજીના સમયની આ યાદગાર ફિલ્મને નવી ટેક્નોલોજી અને આધુનિક સાઉન્ડ સાથે ફરીથી મોટા પડદા પર જોવાનો આનંદ વિશેષ છે. નવી પેઢીને પણ ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગની શ્રેષ્ઠ ફિલ્મો માણવાની તક મળશે.”

અભિનેતા ફિરોઝ ઈરાનીએ જણાવ્યું હતું કે, “ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. જૂની અને સફળ ફિલ્મોને નવી ટેક્નોલોજી સાથે ફરીથી રજૂ કરવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. ‘મેરુમાલણ’નું પુનઃપ્રદર્શન જૂના દર્શકો માટે યાદો તાજી કરશે અને નવા દર્શકોને એક ઉત્તમ ગુજરાતી ફિલ્મનો અનુભવ કરાવશે.”

GIFAના પ્રેસિડેન્ટ શ્રી હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે, “ગુજરાતી સિનેમાની જૂની અને યાદગાર ફિલ્મો આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. ‘મેરુમાલણ’ને લગભગ ૪૦ વર્ષ બાદ નવી ટેક્નોલોજી અને 5.1 ડોલ્બી સાઉન્ડ સાથે ફરીથી મોટા પડદા પર લાવવાનો પ્રયાસ અત્યંત સરાહનીય છે. આ પ્રકારના પ્રયાસોથી આપણી નવી પેઢી ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગ અને તેના મહાન કલાકારોના કાર્યથી પરિચિત થશે. GIFA હંમેશા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વારસા, કલાકારો અને ઉત્તમ સિનેમાને પ્રોત્સાહન આપતું રહ્યું છે અને રહેશે.”

ફિલ્મના પુનઃપ્રદર્શનના પ્રણેતા મેહતા ફિલ્મ્સના શ્રી કિરીટ મહેતાએ જણાવ્યું હતું કે “મેરુ માલણ’ ગુજરાતી દર્શકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતી ફિલ્મ છે. લગભગ ૪૦ વર્ષ બાદ આ ફિલ્મને ફરીથી મોટા પડદા પર લાવવાનો અમારો પ્રયાસ માત્ર એક ફિલ્મને રિ-રિલીઝ કરવાનો નથી, પરંતુ ગુજરાતી સિનેમાના ગૌરવશાળી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. નવી ટેક્નોલોજી અને 5.1 ડોલ્બી સાઉન્ડ સાથે દર્શકોને ફિલ્મનો એક નવો અને વધુ ભવ્ય અનુભવ મળશે.”

વિશેષ શોમાં ઉપસ્થિત દર્શકોએ પણ ફિલ્મને ઉત્સાહભેર વધાવી હતી. જૂની યાદો સાથે આધુનિક ટેક્નોલોજીનો સંગમ દર્શકો માટે એક અનોખો અનુભવ બની રહ્યો હતો.

ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગની યાદોને ફરી જીવંત કરતી ‘મેરુ માલણ’ હવે ૯ નવેમ્બરથી દિવાળીના પાવન પર્વ પર ફરી એકવાર સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

‘મેરુ માલણ’ – ૪૦ વર્ષ બાદ ફરી એકવાર… નવા રૂપ-રંગ, નવી ટેક્નોલોજી અને 5.1 ડોલ્બી સાઉન્ડ સાથે મોટા પડદા પર રજૂ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *