કિંગ ઓફ સાળંગપુર’ના નિર્માતા-નિર્દેશકે લીધા સિદ્ધિવિનાયકજીના આશીર્વાદ, ૨૭ નવેમ્બરે ફિલ્મ થશે રિલીઝ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના ભવ્ય ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટીઝરના લોન્ચિંગ બાદ, ફિલ્મની ટીમે તેમની આધ્યાત્મિક સફર માટે ઈશ્વરના આશીર્વાદ મેળવ્યા છે. આ ભક્તિપ્રધાન ફિલ્મના નિર્દેશક પ્રશાંત દેશાવલ અને પ્રોડ્યુસર ધ્રુવ દેશાવલ એ મુંબઈ સ્થિત પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિર દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે ગણપતિ બાપ્પાના ચરણોમાં શીશ ટેકવી, પૂજા-અર્ચના કરી હતી અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી પ્રમોશનની શાનદાર શરૂઆત કરી છે.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે દર્શાવતી આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રજૂ થશે. તાજેતરમાં રિલીઝ થયેલા પોસ્ટરમાં સાળંગપુર મંદિરની ભવ્યતા, વાદળો વચ્ચેથી આશીર્વાદ આપતા હનુમાનજી દાદાની દિવ્ય આકૃતિ અને પવિત્ર પંક્તિઓ “सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना” ફિલ્મના આધ્યાત્મિક ભાવને સાર્થક કરે છે.

આ ભવ્ય પ્રોજેક્ટમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન, મયૂર કુમાર, સાગર પંચાલ, હરિકૃષ્ણ દવે, ભરત ઠક્કર, હેતલ બારોટ, કલ્પેશ પટેલ, નિહારિકા દવે, મીત, અતુલ પ્રજાપતિ, પ્રથમ, પરેશ શુક્લા અને મહેશ કોટેચા જેવા પ્રતિભાશાળી કલાકારો પોતાના અભિનયના ઓજસ પાડશે. આ ફિલ્મનું લેખનકાર્ય સંજય પ્રજાપતિ દ્વારા કરાયું છે અને નિર્દેશન પ્રશાંત દેશાવલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા તરીકે ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર, આનંદ અઘારા, હાર્દિક પટેલ છે તથા સહ નિર્માતા મોહિત વઘાસિયા છે અને આ ફિલ્મ વિદેશમાં ઓએમજી પિક્ચર્સ દ્વારા રિલીઝ કરવામાં આવશે. પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ની ભવ્ય સફળતા બાદ, ઝી સ્ટુડિયોઝ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા પ્રાદેશિક માર્કેટમાં વધુ આગળ સુધી પહોંચવા માટે સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *