ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકગીતોના વારસાને જાળવવાના સુંદર પ્રયાસરૂપે તા. 3 અને 4 ઓક્ટોબર દરમિયાન સદવિચાર પરિવારના ગાંધી હોલ ખાતે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદવિચાર પરિવારના ઉપક્રમે આયોજિત આ શિબિરનું આયોજન શ્રી જીતેન્દ્ર ઠક્કર, પુનિતજી લુલ્લા અને ખોજના સહયોગથી કરવામાં આવ્યું હતું. શિબિરનું માર્ગદર્શન અને સંચાલન જાણીતા સંગીતકાર શ્રી વિપુલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને જાણીતા ગાયિકા નીલાબેન પંડિતનો સાથ મળ્યો હતો, જ્યારે રિધમ પર શ્રી રાગીભાઈએ સુંદર સંગત આપી હતી.
આ શિબિરમાં 30થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન તાલીમાર્થી બહેનોએ ગુજરાતના પરંપરાગત હાલરડા અને લગ્ન ગીતો શીખવાની સાથે આપણી લોકસંસ્કૃતિ સાથે જોડાવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો.
આ શિબિર પાછળ એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી સંકલ્પ પણ જોડાયેલો છે. જાણીતા કલાકાર નિહારિકાબેન આચાર્યની અંતિમ ઈચ્છા ‘હાલરડા અને લગ્ન ગીતો’ની શિબિર યોજવાની હતી. તેમના અવસાન બાદ તેમની આ અધૂરી ઈચ્છાને સાકાર કરવાની જવાબદારી શ્રી જીતેન્દ્ર ઠક્કર અને પુનિતજી લુલ્લાએ ઉપાડી અને આ સંસ્કૃતિપ્રેમી કાર્યને પૂર્ણ કર્યું. આ કાર્ય પૂર્ણ થયું તેનો આયોજકો અને સહયોગીઓએ વિશેષ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શ્રી પ્રવીણ કે. લહેરી સાહેબ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. અતિથિ વિશેષ તરીકે જાણીતા સમાજસેવિકા અને લોયર પ્રતીક્ષાબેન લહેરી ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરની વિશેષતા એ રહી કે તેમાં ભાગ લેનાર કોઈપણ બહેન પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી. તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવી હતી. શિબિર પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખોજ તરફથી વિશિષ્ટ ભેટ પણ આપવામાં આવી હતી. બંને દિવસ દરમિયાન આયોજકો દ્વારા તાલીમાર્થીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
શિબિરમાં ભાગ લેનાર તમામ બહેનોએ આ પહેલને ખૂબ જ આવકારી હતી અને કાર્યક્રમ અંગે સંતોષ વ્યક્ત કરતાં સદવિચાર પરિવાર, શ્રી જીતેન્દ્ર ઠક્કર તથા પુનિતજી લુલ્લાનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ સુંદર પહેલને સફળ બનાવવા માટે આશાબેન ભટ્ટ, રેશમાબેન, પૂનાથી ખાસ પધારેલા મોનિકા ભાવસાર તેમજ ‘સિદ્ધાર્થ રાંદેરિયા’ના નાટકો સાથે જોડાયેલા કલાકાર લોપાબેન શાહનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૌએ પોતાની હાજરી અને સહકાર દ્વારા શિબિરને વધુ યાદગાર બનાવી હતી.
આ શિબિર માત્ર તાલીમનો કાર્યક્રમ નહોતો, પરંતુ ગુજરાતની વિસરાતી જતી લોકકળા, લોકગીતો અને પરંપરાગત સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ હતો. બે દિવસમાં જોડાયેલી તમામ બહેનો હવે માત્ર શિબિરાર્થી નહીં, પરંતુ આ સાંસ્કૃતિક પરિવારનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. આયોજકોએ તમામ શિબિરાર્થી બહેનોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
‘હાલરડા અને લગ્ન ગીતો’ની આ શિબિર દ્વારા સંસ્કૃતિના જતન અને સંવર્ધનનું એક સુંદર કાર્ય થયું છે, જેનો સંતોષ અને ગૌરવ સૌના હૃદયમાં છે.
