અમદાવાદમાં ઉછરેલા અને હાલ અમેરિકાના શિકાગો ખાતે કલાઉડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કુશે રમતગમત ક્ષેત્રે અમદાવાદનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે. કુશે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વિસ્કોન્સિન, અમેરિકા ખાતે યોજાયેલી ૨૪મી વાર્ષિક ‘આયર્નમેન વિસ્કોન્સિન’ સ્પર્ધામાં પોતાની પ્રથમ જ તકમાં ૨૨૬.૩ કિલોમીટરની અત્યંત કઠિન રેસ ૧૪ કલાક અને ૧૯ મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઉત્તર અમેરિકાની નંબર-૧ અને વિશ્વની સૌથી પડકારજનક એક-દિવસીય સહનશક્તિ સ્પર્ધાઓમાં સ્થાન ધરાવતી આ રેસમાં સળંગ ૩.૮ કિલોમીટર ઓપન-વોટર સ્વિમિંગ, ૧૭૦૨ મીટરના પહાડી ઢાળ ધરાવતી ૧૮૦.૨ કિલોમીટર સાયકલિંગ અને છેલ્લે ૪૨.૨ કિલોમીટરની પૂર્ણ મેરેથોન દોડનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ અને ગુજરાત જ્યારે સજ્જ થઈ રહ્યું છે અને રાજ્યમાં પ્રથમ વખત આયર્નમેન ટ્રાયથલોનના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદના યુવાને વૈશ્વિક મંચ પર આ સિદ્ધિ મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

કુશનો પ્રારંભિક ઉછેર અને શિક્ષણ અમદાવાદમાં થયો હતો, જ્યાં તેણે જી.એલ.એસ. હાઈસ્કૂલ (GLS High School) માંથી શાળાકીય અભ્યાસ પૂરો કર્યો હતો અને નિરમા યુનિવર્સિટી (Nirma University) માં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો અને શિકાગોની ડીપોલ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી હતી. હાલ શિકાગોમાં ફુલ-ટાઈમ કલાઉડ એન્જિનિયર તરીકે નોકરી કરવાની સાથે રિયલ એસ્ટેટનો બિઝનેસ સંભાળતા કુશે આ અશક્ય લાગતા ધ્યેયને પહોંચી વળવા માટે સતત ચાર વર્ષ સુધી કઠોર શિસ્તબદ્ધ દિનચર્યા પાળી હતી. વર્ષ ૨૦૨૩માં માત્ર ૨૫ કિમીની ‘સ્પ્રિન્ટ ટ્રાયથલોન’થી શરૂઆત કરીને, ૨૦૨૪માં ઓલિમ્પિક ટ્રાયથલોન અને ૨૦૨૫માં હાફ આયર્નમેન પૂર્ણ કરીને તેણે દર વર્ષે પોતાનું લક્ષ્યાંક બમણું કર્યું હતું. રોજ સવારે ૫:૦૦ વાગ્યે ઊઠવું, શિસ્તબદ્ધ આહાર, યોગ અને સ્નાયુઓના રિકવરી માટે કોલ્ડ પ્લંજ-સોના થેરાપી જેવી દિનચર્યા થકી તેણે આ સિદ્ધિ હાસિલ કરી છે.
રેસ દરમિયાન સાયકલની ચેઈન તૂટી જવા જેવી તકનીકી સમસ્યાઓ અને મેરેથોન દોડતી વખતે પગના અંગૂઠાનો નખ નીકળી જવા છતાં કુશે હાર માની નહોતી. જ્યારે શરીરની ઊર્જા ખૂટી ગઈ અને અસહ્ય દુખાવો શરૂ થયો, ત્યારે તેણે માનસિક મનોબળ જાળવી રાખવા માટે દોડતી વખતે સતત ‘હનુમાન ચાલીસા’ના પાઠ કર્યા હતા. શિકાગોથી ખાસ વિસ્કોન્સિન પહોંચેલા તેના માતા-પિતા, પરિજનો અને ૨૮ થી વધુ મિત્રોએ “Go Kush Go” ના ટી-શર્ટ પહેરીને સમગ્ર રૂટ પર તેનો ઉત્સાહ વધાર્યો હતો. સ્ટેટ કેપિટલ ખાતે ફિનિશ લાઈન પર “You are an Ironman” ની ઘોષણા સાંભળી ભાવુક થયેલા કુશે જણાવ્યું હતું કે જીવનમાં ગમે તેટલો મોટો પડકાર હોય, તેને નાના-નાના તબક્કામાં વહેંચીને સતત પ્રયાસ કરવાથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
