ગુજરાતી ફિલ્મ ‘અંબા’નું પ્રથમ ભક્તિમય ગરબા ગીત ‘અંબા રમવા આવે’ ધામધૂમથી લોન્ચ

Song lInk- https://youtu.be/_-pmr1mPRbk

અમદાવાદ: નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (NeemTree Entertainment) અને વિજયગીરી ફિલ્મ ઓએસ (Vijaygiri FilmOs) ના સંયુક્ત ઉપક્રમે શ્રી પરિમલ નાથવાણીના પાવન આશીર્વાદ સાથે નિર્મિત અને લોકપ્રિય ફિલ્મમેકર વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત આગામી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ અંબા’ ના પ્રથમ ભક્તિમય અને ઉત્સાહવર્ધક ગરબા ગીત અંબા રમવા આવે’ નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત અને પ્રખ્યાત સંગીતકાર જોડી કેદાર અને ભાર્ગવના મધુર સંગીતથી સજ્જ આ ગીતમાં મા અંબા પ્રત્યેની ગાઢ શ્રદ્ધા અને ઉત્સવના રંગોનો અનોખો મિશ્રણ જોવા મળે છે. ગીતના રિલીઝ થતાની સાથે જ ખેલૈયાઓ અને સંગીતપ્રેમીઓ વચ્ચે ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

આગામી ડિસેમ્બર ૨૦૨૬માં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહેલી ફિલ્મ ‘અંબા’ ગીર પંથકના પ્રાકૃતિક વાતાવરણમાં માનવ અને સાવજ વચ્ચેના અનોખા અને ભાવનાત્મક સંબંધો, સહજીવન તથા ત્રાડ અને ઝાંઝરીની દોસ્તી પર આધારિત એક અત્યંત સંવેદનશીલ વાર્તા રજૂ કરે છે. વિજયગીરી બાવા અને રામ મોરી દ્વારા લિખિત આ વાર્તા ગુજરાતના ગૌરવ સમાન સાવજ અને આપણી સમૃદ્ધ વિરાસતને રૂપેરી પડદે એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. આ ગીતના વિઝ્યુઅલ્સમાં ગરબાના દ્રશ્યો દરમિયાન પાઘડી પહેરેલો સિંહ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જે ગીતની ભવ્યતામાં વધારો કરે છે.

ફિલ્મમાં રીવા રાચ્છ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે, જ્યારે તેમની સાથે દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઈરાની, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર જેવા અનુભવી કલાકારો મહત્વપૂર્ણ પાત્રો ભજવી રહ્યા છે. આ ગીતની કોરિયોગ્રાફી સમીર અને અર્શ તન્ના દ્વારા કરવામાં આવી છે, જેમણે અગાઉ સંજય લીલા ભંસાલીની ફિલ્મોમાં પણ યાદગાર કોરિયોગ્રાફી કરી છે. આ ગીત મિલિન્દ ગઢવી દ્વારા લખવામાં આવ્યું છે અને તે વ્રત્તિની પુરોહિત દ્વારા અદભુત રીતે ગાવામાં આવ્યું છે. વિશેષરૂપે, આ ગરબા ગીતમાં રીવા રાચ્છ સાથે ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રીઓ મોનલ ગજ્જર, નેત્રી ત્રિવેદી અને શ્રદ્ધા ડાંગર પણ ખાસ હાજરી આપી ગરબે ઘૂમતી જોવા મળે છે. અનુભવી કલાકારો ફિરોઝ ઈરાની અને સ્વાતિ દવેની વિશેષ ઉપસ્થિતિથી ગીતના દ્રશ્યો વધુ ભવ્ય બન્યા છે.

નિર્માતા અને દિગ્દર્શકના જણાવ્યા અનુસાર, આ ગીત માત્ર એક ઉત્સવનો ગરબો નથી પણ મા અંબા પ્રત્યેની અથાહ શ્રદ્ધા અને ગીર તથા સમગ્ર ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આ ભક્તિમય ગીત ‘અંબા રમવા આવે’ હવે નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મ ઓએસની અધિકૃત યુટ્યુબ ચેનલ સહિત દેશના તમામ મુખ્ય ડિજિટલ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર શ્રોતાઓ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *