અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. સતત પાણી ભરાઈ રહેવાના કારણે ઘણા પરિવારોના ઘરના ચૂલા પણ સળગી શકે તેવી સ્થિતિ નહોતી. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 7 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’એ આગળ આવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ટીમ ચિરંજીવીએ વરસાદથી પ્રભાવિત ગુલબાઈ ટેકરા વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિક પરિવારોને પોષણક્ષમ ફૂડ પેકેટ્સ તથા પીવાના શુદ્ધ પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું. આ રાહત કાર્ય દરમિયાન ટીમના સભ્યોએ અસરગ્રસ્ત લોકોની તકલીફો સાંભળી હતી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
આ સેવા કાર્યમાં જાણીતા બોલીવુડ અભિનેતા દીપક તિજોરી, ગુજરાતી સિનેમાના કલાકારો જીનલ બેલાણી, ભૌમિક સંપત, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ તેમજ સમગ્ર ટીમ ચિરંજીવી રૂબરૂ ઉપસ્થિત રહીને વિતરણ વ્યવસ્થામાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગેટ સેટ ગો’ સાયકલિંગ, સાહસ અને ન્યાય માટે લડાતી એક રોમાંચક સફર પર આધારિત છે. હાઈ-ટેક VFX, એક્શન અને અમદાવાદના આઈકોનિક રિવરફ્રન્ટના વિઝ્યુઅલ્સ સાથે બનેલી આ ફિલ્મમાં કલાકારો એક ખાસ મિશન પર નીકળેલા ‘ચિરંજીવી’ ના પાત્રમાં જોવા મળશે. પડદા પર સાહસિક સ્ટન્ટ્સ કરતી આ ટીમે રિયલ લાઈફમાં પણ ‘મિશન ચિરંજીવી’ હેઠળ સેવાકાર્ય કરીને પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સેવા કાર્યને સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ટીમે ગુજરાત પોલીસની નિષ્ઠા, સેવા અને સરાહનીય સહકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ટીમ ચિરંજીવી જણાવે છે કે, “આ માત્ર એક દિવસની મદદ નથી, પરંતુ સમાજ પ્રત્યેની અમારી સતત જવાબદારીની એક શરૂઆત છે. અમે સમાજના દરેક વર્ગને અપીલ કરીએ છીએ કે શક્ય હોય એટલા વધુ લોકો આ માનવતાના અભિયાનમાં જોડાય. આપણી દરેક નાની મદદ કોઈકના મુશ્કેલ જીવનમાં મોટો આશાનો દીપક પ્રગટાવી શકે છે.”
