અમદાવાદ, ગુજરાત | જુલાઈ, 2026 : ગુજરાતે આજે એક ઐતિહાસિક રમતગમત ક્ષણનો સાક્ષી બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો, જ્યારે FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સનું આયોજન રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. ભારત અને કતાર વચ્ચે રમાયેલી પ્રથમ મેચે ગુજરાતમાં બાસ્કેટબોલ રમતના વિકાસ માટે એક નવો અધ્યાય શરૂ કર્યો અને રાજ્યને દેશના અગ્રણી રમતગમત કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવ્યું.
આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મુકાબલો નિહાળવા માટે સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરાઈ ગયું હતું. રમતપ્રેમીઓ, મહાનુભાવો, રમતગમત સંચાલકો તથા અમદાવાદના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું.
ભારતીય બાસ્કેટબોલ ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને મેચના મોટા ભાગ દરમિયાન લીડ જાળવી રાખી હતી. જોકે અંતે કતારે 65-56થી જીત મેળવી હતી.
મેચની શરૂઆતમાં હર્ષ ડાગરે ત્રણ પોઇન્ટર સાથે ભારત માટે ખાતું ખોલાવ્યું હતું. ભારતે પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થતાં 12-7ની સરસ લીડ મેળવી હતી. બીજા ક્વાર્ટરમાં પ્રણવ પ્રિન્સે બે ત્રણ પોઇન્ટર સહિત કુલ 8 પોઇન્ટ નોંધાવ્યા હતા, જેના કારણે ભારતે કતાર સામે દબદબો જાળવી રાખીને 30-22ની હાફ-ટાઇમ લીડ મેળવી હતી.

ભારતીય ટીમે મેચના લગભગ 33મા મિનિટ સુધી લીડ જાળવી રાખી હતી, પરંતુ ત્યારબાદ કતારે જોરદાર વાપસી કરી હતી. ત્રીજા ક્વાર્ટરના અંતે ભારતની લીડ માત્ર 44-42 સુધી સીમિત રહી હતી. ચોથા ક્વાર્ટરમાં કતારે પોતાની ગતિ જાળવી રાખી અને મેચમાં શાનદાર કમબેક કરીને જીત મેળવી હતી.
કતાર તરફથી અબ્દુલરહમાન સાદે સર્વાધિક 24 પોઇન્ટ નોંધાવ્યા હતા, જ્યારે ભારત તરફથી હર્ષ ડાગર અને પ્રણવ પ્રિન્સે 13-13 પોઇન્ટ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ભારત હાલમાં FIBA વર્લ્ડ રેન્કિંગમાં 76મા ક્રમે છે, જ્યારે કતાર 78મા ક્રમે છે. ગ્રુપ-Dમાં ભારતે અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચોમાં પરાજય ભોગવ્યો છે અને હવે FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગયું છે.

ભારત 16 એશિયન ટીમોમાંથી એક ટીમ તરીકે આ ક્વોલિફાયર્સમાં ભાગ લઈ રહ્યું છે અને તેને લેબનોન, સાઉદી અરેબિયા અને કતાર સાથે ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે. વિશ્વભરના 80 દેશો FIBAના આફ્રિકા, એશિયા-ઓશિઆનિયા, યુરોપ અને અમેરિકા ક્ષેત્રોમાંથી 2027 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે વિવિધ ક્વોલિફિકેશન વિન્ડોઝમાં ભાગ લઈ રહ્યા છે.
આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું સફળ આયોજન FIBA, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI), ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન (GSBA) તથા BFIની ટેક્નિકલ ટીમના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું છે. તમામ આયોજન, સ્પર્ધાત્મક વ્યવસ્થા અને સંચાલન અત્યંત વ્યાવસાયિક અને સફળ રહ્યું હતું.
ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટુર્નામેન્ટના આયોજન માટે સતત અને અભૂદપૂર્વ સહયોગ આપવામાં આવ્યો હતો. તેમના સમર્થનના કારણે ગુજરાતમાં આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું સફળ આયોજન શક્ય બન્યું છે, જે રાજ્યને એક અગ્રણી રમતગમત હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.

ભાગ લેનાર ખેલાડીઓ, કોચ, અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ સ્ટેડિયમની વિશ્વસ્તરીય સુવિધાઓ, ઉત્તમ આયોજન, ઉત્સાહી દર્શકો અને ગુજરાતની અતિથિ દેવો ભવઃની પરંપરાની વિશેષ પ્રશંસા કરી હતી.
હવે તમામની નજર આગામી મહત્વપૂર્ણ મુકાબલા પર છે, જેમાં ભારતનો મુકાબલો વિશ્વ ક્રમાંક 33 અને ગ્રુપ-Dની ટોચની ટીમ લેબનોન સામે 5 જુલાઈ, 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યે આ જ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. મોટી સંખ્યામાં દર્શકો ફરી એકવાર ભારતીય ટીમને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.
ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ એશિયન ક્વોલિફાયર્સનું સફળ આયોજન સમગ્ર રાજ્ય માટે ગૌરવ અને આનંદની બાબત છે. આ ઐતિહાસિક પ્રસંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમત આયોજન માટે પણ દેશના અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
