ગુજરાતી ફિલ્મ નિર્માતા રાજભા (રાજેન્દ્રસિંહ રાઠોડ) સામે પોણા કરોડની ઠગાઈનો આક્ષેપ; આરોપી હાલ ફરાર

ગુજરાતી ચલચિત્ર ‘ક, ખ, ગ’ ના નિર્માતા તરીકે પોતાની ઓળખ આપતા રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) સામે નિર્દોષ નાગરિકો અને વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી, વિશ્વાસઘાત અને નાણાકીય ઠગાઈ કરવા અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી રાજભાએ પોતે આઈ.બી. ઓફિસર (IB Officer), ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તેમજ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા મોટા બિઝનેસમેન હોવાના ખોટા દાવા કરી લોકોને વિશ્વાસમાં લીધા હતા.

મળતી માહિતી મુજબ, આરોપી રાજભાએ અત્યાર સુધીમાં 25 થી પણ વધુ નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે કુલ આશરે રૂ.0.75 કરોડ  થી વધુ રકમની નાણાકીય છેતરપિંડી આચરી છે. તેણે હોમ લોન પાસ કરાવી આપવાના બહાને તથા વિવિધ ફાઇનાન્સિયલ સ્કીમ્સના નામે લોકો પાસેથી મિલકતના અસલ દસ્તાવેજો અને લાખો રૂપિયા મેળવી લીધા હતા. જ્યારે લોકોએ પોતાના નાણાં પરત માગ્યા, ત્યારે આરોપી દ્વારા આપવામાં આવેલા બેંક ચેક પણ બાઉન્સ થયા હતા. આ ઉપરાંત, પૈસા પાછા માગનાર નિર્દોષ લોકોને જાનથી મારી નાખવાની તથા માનસિક ત્રાસ આપવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપીએ લોકોને પ્રભાવિત કરવા માટે અનેક રાજકીય હસ્તીઓ સાથેના ફોટોગ્રાફ્સ અને નકલી ઓળખપત્રોનો બતાવા ખાતર ઉપયોગ કર્યો હતો. પોતાને ખૂબ પહોંચેલી વ્યક્તિ બતાવીને તેણે સમાજના સામાન્ય તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પણ પોતાની વાતોમાં ભોળવીને મોટું નાણાકીય નુકસાન પહોંચાડ્યું છે. લોકો વચ્ચે એકતા ન થાય અને કોઈ કાયદેસરની કાર્યવાહી તરફ ન જાય તે માટે તે સતત લોકોને ગુમરાહ કરતો અને દબાણ ઊભું કરતો હતો.

 આ સમગ્ર ઠગાઈ આચરીને આરોપી રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) હાલ પોતાના તમામ જાણીતા સરનામા પરથી ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરીને આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જો અન્ય કોઈ પણ વ્યક્તિ આ આરોપીની ઠગાઈનો ભોગ બન્યા હોય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી કાયદેસરની ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવે છે. 

આ સિવાય, આવી કોઈપણ વ્યક્તિના ઝાંસામાં ન આવવા અને મિલકતના દસ્તાવેજો કે મોટી રકમ આપતા પહેલા યોગ્ય ચકાસણી કરવા માટે જાહેર જનતાને સાવચેત કરવામાં આવે છે. પોલીસ પ્રશાસન દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આરોપી સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને પીડિતોને ન્યાય અપાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *