વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ અને વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટના સહયોગથી સમાજ દ્વારા ગુજરાતના ભીનાર ખાતે ૩૦ હેક્ટર દરિયાકાંઠાની જમીનને પુનર્જીવિત કરવામાં આવશે અને ૭૫,૦૦૦થી વધુ ચેરના રોપાઓના વાવેતરમાં સહયોગ આપવામાં આવશે.
નવસારી, ગુજરાત: દાઉદી વહોરા સમાજે તેની વૈશ્વિક પરોપકારી પહેલ ‘પ્રોજેક્ટ રાઇઝ’ હેઠળ ગુજરાતના નવસારી જિલ્લાના ભીનાર ગામ ખાતે મેન્ગ્રુવ પુનઃસ્થાપન અભિયાનની શરૂઆત કરી છે. વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ સાઉથ એશિયા (WISA) અને વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ (વિકાસ CFD) સાથે મળીને તથા ભીનાર ગ્રામ પંચાયતના સહયોગથી આ અભિયાન અંતર્ગત ખંભાતના અખાત વિસ્તારમાં આશરે ૩૦ હેક્ટર દરિયાકાંઠાની જમીનને પુનર્જીવિત કરવામાં આવશે. આ પહેલ હેઠળ સ્થાનિક વાતાવરણમાં કુદરતી રીતે જ વિકસી શકે તેવી પ્રજાતિઓની પસંદગી કરીને ૭૫,૦૦૦થી વધુ ચેરના રોપાઓ વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નવસારી ખાતે પરમ પાવન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના પ્રતિનિધિ હુસૈન નૂરુદ્દીને જણાવ્યું હતું કે, “પર્યાવરણીય સંતુલનમાં ચેરના જંગલોનું મહત્ત્વ અત્યંત અનિવાર્ય છે, અને આ ધરતી તથા તેના પર નિર્ભર લોકોની સંભાળ રાખવી એ અમારા સમાજની પ્રિય જવાબદારી છે. ખંભાતના અખાતને આવરી લેતા આ ચેર પુનઃસ્થાપન પ્રોજેક્ટના પ્રારંભ સાથે, અમને આશા છે કે અમે ગ્રામજનો સાથે ખભેખભા મિલાવીને કામ કરીશું, જેથી આ ચેરના વૃક્ષો આવનારી પેઢીઓ સુધી આ દરિયાકાંઠાનું રક્ષણ કરતા રહે.”

આ પુનઃસ્થાપનથી દરિયાકાંઠાને શું ફાયદો થશે
એકવાર આ ચેરના વૃક્ષો પૂર્ણપણે વિકસિત થઈ જશે, ત્યારબાદ તે ભીનાર અને સમગ્ર ખંભાતના અખાતને લાંબા ગાળાના ફાયદા પહોંચાડશે. તેમના મૂળ કાંપને જકડી રાખે છે અને દરિયાના મોજાની તીવ્રતા ઘટાડે છે, જેનાથી દરિયાકાંઠાનું ધોવાણ અટકે છે અને ભરતીના મોજા સામે રક્ષણ મળે છે; આ ઉપરાંત, તેમના મૂળ અને જમીન મોટા પ્રમાણમાં કાર્બનનો સંગ્રહ પણ કરે છે. ચેરના જંગલોની ખાડીઓ માછલી, ઝીંગા અને કરચલાઓ માટે પ્રજનન સ્થળ પૂરું પાડે છે, જે માછીમારોની આજીવિકાને ટેકો આપે છે, દરિયાકાંઠાના પાણીને શુદ્ધ કરે છે અને પક્ષીઓ તથા અન્ય વન્યજીવોને આશ્રય આપે છે.
વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ સાઉથ એશિયાના ડાયરેક્ટર ડૉ. રિતેશ કુમારે જણાવ્યું હતું કે, “ખંભાતનો અખાત એક ગતિશીલ અને પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ દરિયાકાંઠાનો વિસ્તાર છે, અને આ પહેલ તેની કુદરતી સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવાની તક પૂરી પાડે છે. પુનઃસ્થાપન પ્રક્રિયાની શરૂઆતથી જ સ્થાનિક સમુદાયોને કેન્દ્રમાં રાખીને, અમે આ ઇકોસિસ્ટમના રક્ષણ અને જતન માટે સહિયારી જવાબદારીની ભાવના કેળવી શકીએ છીએ. પુનઃસ્થાપનના પ્રયાસોના કાયમી પરિણામો મેળવવા માટે આ અત્યંત જરૂરી છે.”
ડૉ. કુમારે વધુમાં ઉમેર્યું હતું કે, “આ પ્રોજેક્ટની પહેલ કરવા બદલ અમે દાઉદી વહોરા સમાજના આભારી છીએ. પ્રોજેક્ટ રાઇઝ, વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ સાઉથ એશિયા, વિકાસ CFD અને ભીનારના ગ્રામજનોના સહયોગ દ્વારા, અમે એ દર્શાવવા માંગીએ છીએ કે વિજ્ઞાન આધારિત અને સમુદાય-સંચાલિત પુનઃસ્થાપન કેવી રીતે વધુ સ્વસ્થ દરિયાકાંઠાની ઇકોસિસ્ટમના નિર્માણમાં ફાળો આપી શકે છે.”

આ વિસ્તારમાં કુદરતી રીતે જ ઊગી નીકળતી ચેરની વનસ્પતિઓની સાથે-સાથે, વાવેતરમાં અહીંના વાતાવરણને અનુકૂળ એવી સ્થાનિક પ્રજાતિઓ જેવી કે એવિસેનિયા મરિના (તવરિયા), રાઇઝોફોરા મુક્રોનાટા અને સાલ્વાડોરા પ્રજાતિના રોપાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભારતના રાષ્ટ્રીય મેન્ગ્રુવ મિશન સાથે કદમ મિલાવીને
આ પહેલ ભારત સરકારની ‘મિષ્ટી’ (MISHTI – મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટાટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ) યોજનાને સમર્થન આપે છે, જેનો ઉદ્દેશ્ય ૨૦૨૮ સુધીમાં નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ૫૫,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ચેરના જંગલોને પુનર્જીવિત કરવાનો છે.
આ યોજના હેઠળ ગુજરાતે પ્રથમ બે વર્ષમાં ૧૯,૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ચેરનું વાવેતર કરીને સમગ્ર દેશમાં અગ્રેસર સ્થાન મેળવ્યું છે. ગ્રામજનો, ટેકનિકલ નિષ્ણાતો અને સ્થાનિક સંસ્થાઓને એક મંચ પર લાવીને, ભીનારની આ પહેલ ભારતના દરિયાકાંઠાના રક્ષણ માટેની આ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની પ્રતિબદ્ધતામાં સમુદાયના નેતૃત્વ હેઠળનો એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ ઉમેરે છે.
વધતી જતી વૈશ્વિક પ્રતિબદ્ધતાનો એક ભાગ
‘પ્રોજેક્ટ રાઇઝ’ હેઠળ વિશ્વભરમાં ચેરના જંગલોનો વ્યાપ વધારવાના દાઉદી વહોરા સમાજના કાર્યોમાં ભીનાર એ સૌથી નવું પ્રકરણ છે. ૨૦૨૩માં, સમાજે એન્વાયર્નમેન્ટ એજન્સી અબુ ધાબી સાથે મળીને ૧૫,૦૦૦થી વધુ ચેરના રોપાઓ દ્વારા ‘અબુ ધાબી મેન્ગ્રુવ ઇનિશિયેટિવ’ને સમર્થન આપ્યું હતું. કેન્યા અને તાંઝાનિયામાં સમાજના સ્વયંસેવકો સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને દરિયાકાંઠે ૩૩,૦૦૦થી વધુ ચેરના રોપાઓ વાવવામાં સફળ રહ્યા છે. આવા જ પ્રયાસો મેડાગાસ્કર, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ ચાલી રહ્યા છે, જ્યાં સમાજના સભ્યો સ્થાનિક ભાગીદારો સાથે મળીને દરિયાકાંઠાના જંગલોનું પુનઃરોપણ અને જતન કરી રહ્યા છે.
