ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ આવી રહી છે
અમદાવાદ, એપ્રિલ 2026 – આજના સમયમાં એક ફોન કોલ પણ હથિયાર બની શકે છે, અને આવી જ હકીકતને રજૂ કરતી વાર્તા સાથે ગુજરાતી સિનેમા એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ‘ધરપકડ’, ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ, જેનું સત્તાવાર પોસ્ટર રજૂ થઈ ચૂક્યું છે – અને તેણે ફિલ્મની રિલીઝ પેહલા જ લોકોમાં ચિંતા અને ઉત્સુકતા જગાવી દીધી છે.
‘ધૂનકી’ અને ‘ઉડન છૂ’ના નિર્માતાઓ દ્વારા નિર્મિત આ ફિલ્મ, એક અલગ અને આધુનિક વિષય સાથે અનોખી વાર્તા રજૂ કરે છે.
ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ તારીખ 15 મે, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે અને તે એક એવા ખતરાને મોટા પડદા પર લાવશે, જે આજકાલ સહજતાથી આપણા જીવનમાં પ્રવેશી રહ્યો છે.
આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ છે મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની સૌપ્રથમ વખત સ્ક્રીન પર એકસાથે હાજરી. મલ્હાર, જે હાલમાં ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’, ‘વેનિલા આઈસક્રીમ’ અને ‘જય માતાજી – લેટ્સ રૉક’ જેવી સતત હિટ ફિલ્મો સાથે ગુજરાતીના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભર્યા છે, તેઓ હવે ‘ધરપકડ’માં એક ગંભીર ભૂમિકામાં જોવા મળશે.
તેમની સાથે છે શ્રુહદ ગોસ્વામી, જેમણે ‘લાલો’ ફિલ્મમાં કૃષ્ણના પાત્રથી દર્શકોના દિલ જીત્યા હતા – લાલો એક એવી ફિલ્મ હતી જેને 100 કરોડથી વધુ કમાણી કરીને ગુજરાતી સિનેમામાં એક ઇતિહાસ રચ્યો હતો. તેમની મજબૂત અભિનય ક્ષમતા આ ફિલ્મને વધુ ગૂઢ અને રસપ્રદ બનાવે છે.
અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રશાંત બારોટ, પ્રતિક રાઠોડ અને જય ભટ્ટ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના નિર્માતા રાહુલ બડાલ, જય શાહ અને અનિશ શાહ છે, જે એક એવી ફિલ્મ રજૂ કરવા માંગે છે જે માત્ર મનોરંજન જ નહીં પરંતુ સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ હોય.
‘ધરપકડ’ ને ખાસ બનાવે છે તેનો ગંભીર અને આધુનિક વિષય. ડિજિટલ અરેસ્ટ, એક એવો સાયબર ક્રાઇમ જેમાં વ્યક્તિને તે પોતે સતત નજરબંધ હોવાની અનુભૂતિ કરાવવામાં આવે છે.
“‘ધરપકડ’ એક ખૂબ જ વાસ્તવિક વિચારમાંથી જન્મેલી ફિલ્મ છે. એક સામાન્ય ફોન કોલને પણ કેટલું ભયજનક બનાવી શકાય – એ બતાવવાનો અમારો પ્રયાસ રહ્યો છે. આ ફિલ્મ મનોરંજન સાથે જાગૃતિ પણ લાવે છે,” કહે છે અનિશ શાહ, ‘ધરપકડ’ના દિગ્દર્શક અને નિર્માતા.
મલ્હાર ઠાકર, ફિલ્મના મુખ્ય કલાકાર કહે છે, “‘ધરપકડ’માં જે વાત મને સૌથી વધુ ગમી, એ તેની રિયલિટી છે. આ કોઈ દૂરની થ્રિલર નથી – આ તો કોઈપણ સાથે બની શકે એવી ઘટના છે. એ કારણે આ ફિલ્મ કરવી મારા માટે ખાસ અનુભવ રહ્યો.”
આ રીતે ‘ધરપકડ’ પરંપરાગત વાર્તાઓથી અલગ જઈને એક આધુનિક અને ચેતવણી આપતી વાર્તાને રજૂ કરે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન અને થ્રિલ જ નહીં પીરસે, પરંતુ ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમ વિશે વિચારવા મજબૂર પણ કરશે.
ફિલ્મની જાહેરાત બાદથી જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે અને દર્શકો તેમજ ફિલ્મ ઉદ્યોગમાં તેને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અનોખી વાર્તા, શક્તિશાળી અભિનય અને સતત તણાવભર્યા માહોલ સાથે, ‘ધરપકડ’ આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંથી એક બનવા જઈ રહી છે.
ચેતવણી: ‘ધરપકડ’ જોયા પછી તમે અજાણ્યા નંબર પરથી આવેલા કોલ સ્વીકારતા પહેલાં બે વાર વિચારશો.
