અમદાવાદ : દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ટ્રક અને કોમર્શિયલ વાહન ચાલકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એમ ડી મોટર્સ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદના બાકરોલ સેન્ટર ખાતે એમ. ડી. મોટર્સ દ્વારા ભારતનું પ્રથમ “હાઈવે હીરો સ્માર્ટ ક્લિનિક” કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ દિવસ-રાત હાઈવે પર વાહન ચલાવતા આપણા ડ્રાઈવર ભાઈઓની શારીરિક તપાસ અને કલ્યાણનો છે. આ અંગે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોશિએશન (AITWA) તથા બીએલઆર લોજિસ્ટિક્સ લિમિટેડના પ્રતિનિધિઓએ તથા એમ ડી મોટર્સના એમ.ડી. શ્રી કૈલાશ ભાટી, જોગરાજ રાઠોડ (સીઈઓ, એમડી મોટર્સ), ઈશ્વરદાન ગઢવી (એચઆર & એડમીન, એમડી મોટર્સ) એ ત્રણેય સંસ્થાના સંયુક્ત પ્રયાસો અંગે માહિતી આપી હતી.
આ ક્લિનિક ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોશિએશન (AITWA) દ્વારા આગેવાની હેઠળ શરૂ કરવામાં આવ્યું છે અને બીએલઆર લોજિસ્ટિક્સ લિમિટેડના સીએસઆર પ્રોજેક્ટ તરીકે સમર્થન સાથે સંચાલિત થાય છે. ક્લિનિક માટેની જગ્યાની વ્યવસ્થા એમ ડી મોટર્સ એટીએસ, બાકરોલ, અમદાવાદ દ્વારા પ્રદાન કરવામાં આવી છે.
એમ ડી મોટર્સના શ્રી કૈલાશ ભાટી એ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, “અમે હંમેશાં ટ્રાન્સપોર્ટ સમુદાયની સેવા અને ડ્રાઇવર ભાઈઓના આરોગ્ય અને સલામતી માટે પ્રતિબદ્ધ છીએ.”
શ્રી જોગરાજ રાઠોડ, સીઈઓ, એમ ડી મોટર્સએ આ પહેલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘હાઈવે હીરો+ સ્માર્ટ ક્લિનિક‘ દ્વારા અમારો હેતુ માત્ર સારવાર આપવાનો નથી, પરંતુ તેમને ગૌરવ અને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક ડ્રાઈવર ભાઈ સ્વસ્થ રહે અને સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરે.”
ટ્રક ડ્રાઇવરો અને કોમર્શિયલ વાહન ચાલકોના આરોગ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ આ ડ્રાઈવર ભાઈઓને ગુણવત્તાયુક્ત અને મફત તબીબી સેવાઓ પ્રદાન કરવાનો છે. આ સેવા હેઠળ, ડ્રાઈવરો માટે હેલ્થ ચેકઅપ, વરિષ્ઠ ડૉક્ટર્સ સાથે ટેલિકન્સલ્ટેશન અને તાત્કાલિક સહાય જેવી સુવિધાઓ કોઈપણ ખર્ચ વગર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સામાન્ય રીતે આ પ્રકારના સંપૂર્ણ હેલ્થ ચેકઅપની કિંમત અંદાજે રૂ. 4,500 થી રૂ. 5,000 જેટલી થતી હોય છે, પરંતુ અહીં આ તમામ સેવાઓ ડ્રાઈવરો માટે સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે.
આ ક્લિનિક દ્વારા ડ્રાઈવરોની શારીરિક તપાસ માટે અત્યાધુનિક સાધનોની સુવિધા આપવામાં આવી છે. જેમાં ECG, હીમોગ્લોબિન, બ્લડ સુગર, બ્લડ પ્રેશર, બોડી ટેમ્પરેચર, BMI અને SPO2 જેવી પાયાની તપાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વ્યવસાયિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઓડિયોમીટ્રી (શ્રવણ પરીક્ષણ), પલ્મનરી ફંક્શન (ફેફસાનું પરીક્ષણ), તેમજ આંખની સ્ક્રિનિંગ અને કલર બ્લાઇન્ડનેસ જેવી મહત્વની તપાસ પણ કરવામાં આવશે. ડ્રાઈવરની સંમતિ સાથે HIV & AIDS પરીક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ માહિતગાર રહી શકે.
આ ઉમદા કાર્ય ત્રણ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોશિએશન (AITWA) દ્વારા આ પહેલનું નેતૃત્વ અને આરોગ્ય સેવાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. બીએલઆર લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા તેમના સીએસઆર પ્રોજેક્ટ હેઠળ આ પહેલને આર્થિક સહયોગ અને ટેકો પૂરો પાડવામાં આવ્યો છે. જ્યારે એમ ડી મોટર્સ એટીએસ દ્વારા ક્લિનિકના સંચાલન માટે જરૂરી રૂમ, કિચન અને અન્ય આસપાસની માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી ટ્રક ડ્રાઈવર સમુદાયના આરોગ્ય અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે.
આ પહેલની સફળતા અને તેના ઉદ્દેશ્ય વિશે વાત કરતા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. AITWA ના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “આ ક્લિનિક દ્વારા ડ્રાઈવરોને તાત્કાલિક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળશે, જે ‘હાઈવે હીરો+’ ઈનિશિયેટિવનો મુખ્ય ઉદ્દેશ્ય છે.” આ પ્રોજેક્ટ ડ્રાઈવરોને રસ્તા પર સુરક્ષિત રાખવા માટે એક રક્ષક સમાન સાબિત થશે.
બીએલઆર લોજિસ્ટિક્સ લિમિટેડના પ્રતિનિધિએ આ સહયોગ વિશે ઉમેર્યું કે, “બીએલઆર લોજિસ્ટિક્સ લિમિટેડના સીએસઆર પ્રોજેક્ટના ટેકો સાથે, આ પહેલ દેશભરના ટ્રક ડ્રાઇવરો માટે એક ઉન્નત અને વ્યાપક આરોગ્ય સેવા સિસ્ટમ રજૂ કરે છે.” આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કોર્પોરેટ જગત પણ હવે ડ્રાઈવર સમુદાયના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર છે.
આમ, આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો અને દ્રષ્ટિકોણને કારણે જ આજે ડ્રાઈવર ભાઈઓને આધુનિક અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.
ટ્રાન્સપોર્ટર્સ, ફલીટ ઓનર્સ અને વાહન માલિકોને વિનંતી છે કે તેઓ વધુમાં વધુ વાહનો અને ડ્રાઇવર ભાઈઓને આ ક્લિનિક પર મોકલી આ મહત્ત્વપૂર્ણ આરોગ્ય પહેલનો લાભ અપાવે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: M D Motors – ATS, બાકરોલ સેન્ટર, અમદાવાદ, ગુજરાત
