ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’નું દમદાર ટ્રેલર લોન્ચ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2026ની શરૂઆત એક ધમાકેદાર સસ્પેન્સ થ્રિલર સાથે થવા જઈ રહી છે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટીવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોશિએશન સાથે નિર્માણ થયેલ છે. ફિલ્મ ‘પાતકી’ નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. મુખ્ય કલાકારો ઉપરાંત સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી અને આકાશ ઝાલા જેવા દિગ્ગજ કલાકારો મહત્વના રોલમાં છે.

ટ્રેલર લિંક: https://youtu.be/A0gpM3uqtbs

 ફિલ્મની વાર્તા અંગે જણાવીએ તો, “એક માણસ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે, પરંતુ જો તે ખરેખર દોષિત હોય અને તેમ છતાં નિર્દોષ સાબિત થાય તો?  માનવ (ગૌરવ પાસવાલા) એક મહત્વાકાંક્ષી છતાં જમીન સાથે જોડાયેલો કોર્પોરેટ પ્રોફેશનલ છે, જેનું જીવન આદર્શ લાગે છે. તેની પત્ની નિત્યા (શ્રદ્ધા ડાંગર) તેની તાકાત છે અને તેમનું લગ્નજીવન એકદમ સુખી છે.  પરંતુ અચાનક જ માનવની આ સપના જેવી દુનિયા વિખેરાઈ જાય છે. સર્જાયેલી અરાજકતામાં માનવ બધી ઘટનાઓ માટે પોતાને જવાબદાર માને છે. અપરાધભાવથી પીડાતો માનવ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું નક્કી કરે છે, પરંતુ વાર્તા ત્યારે વિચિત્ર વળાંક લે છે જ્યારે દરેક પુરાવા માનવના નિવેદનને પડકારે છે. તે જ્યારે આત્મશંકાના વમળમાં ફસાય છે, ત્યારે સત્ય બહાર આવે છે. “પાતકી” એ જ દર્શાવે છે કે આપણે બધા એક સ્તરે નિર્દોષ છીએ અને બીજા સ્તરે દોષિત.

ટ્રેલર લોન્ચ પ્રસંગે શ્રદ્ધા ડાંગરે જણાવ્યું કે, “આ ફિલ્મની વાર્તા ખૂબ જ અલગ અને ચેલેન્જિંગ છે. પ્રેક્ષકોને આમાં મારો એક નવો જ અવતાર જોવા મળશે.” જ્યારે ગૌરવ પાસવાલાએ ઉમેર્યું કે, “‘પાતકી’ ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના નવા સ્તરને સ્પર્શે છે. આ ફિલ્મમાં મારો રોલ એક એવા માણસનો છે જે પોતાની જ વાસ્તવિકતા સામે લડી રહ્યો છે.”

સસ્પેન્સ, ડ્રામા અને રહસ્યથી ભરપૂર ફિલ્મ ‘પાતકી’ 30 જાન્યુઆરી, 2026 ના રોજ સમગ્ર ગુજરાત, મુંબઈ અને દુબઇ, યુએસ, યુકે, કેનેડા, ઈસ્ટ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને તમામ ગલ્ફ દેશોના સિનેમાઘરોમાં પેનોરમા સ્ટુડિયો દ્વારા વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *