અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી. સુધારાણીના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ. આ પરફોર્મન્સ એ એઆઇએલએફના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો, જે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો.
આ સમારોહમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમાશંકર યાદવ, ગુજરાત કેડરના IAS મનોજ અગ્રવાલ, દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી IPS, સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરી, બોલિવૂડના પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર પિયા બેનેગલ અને અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયા સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. મહોત્સવની આ એડિશનની શરૂઆતના પ્રતીક તરીકે દીપ પ્રગટાવવા માટે મહાનુભાવો ભેગા થયા હતા.
દીપપ્રાગટ્ય પછી, મહેમાનોએ શ્રોતાઓને પ્રેરણાના શબ્દોથી સંબોધન કર્યું. જેડી મજેઠિયાએ ટેલિવિઝનમાં તેમની સફર વિશે વાત કરી, યાદ કર્યું કે જ્યારે સારાભાઈ વર્સેસ સારાભાઈ પ્રથમ વખત સાપ્તાહિક શો તરીકે પ્રસારિત થયો ત્યારે તેમને ત્વરિત સફળતા મળી ન હતી. તેમણે પ્રેક્ષકો સાથે કાયમી જોડાણ બનાવવા માટે કન્સીસ્ટન્સી અને વિઝિબિલિટીના મહત્વ પર ભાર મૂક્યો. પિયા બેનેગલ અને અન્ય વક્તાઓએ સ્ટોરીટેલિંગ, ક્રિએટિવિટી અને સમાજમાં સાહિત્ય અને કલાની વિકસતી ભૂમિકા પર પણ તેમની સમજ શેર કરી.

ઈનોગ્રેશનના દિવસનું મુખ્ય આકર્ષણ અપકમિંગ ફિલ્મ “ડ્રોપ આઉટ” ના ટ્રેલરનું ભવ્ય પ્રીમિયર રહ્યું, જે પહેલી વાર AILF ના સ્ટેજ પર દર્શાવવામાં આવ્યું. આ ક્ષણે મહાનુભાવો અને ફિલ્મની ક્રિએટિવ ટીમ- નિર્માતા ઉમાશંકર યાદવ, દિગ્દર્શક ઓમકાર પેઠકર, મુખ્ય કલાકારો ઉદય સિંહ અને તનુષ્કા શર્મા, અભિનેતા સંદીપ યાદવ અને પ્રદીપ સારંગને એક સાથે લાવ્યા. ટીમમાં એડિટર રાહુલ રાજપૂત અને કોઓર્ડિનેટર નિરીક્ષા કંસારા પણ શામેલ હતા, જેઓ સ્ટેજ પર અનાવરણમાં જોડાયા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં પરંપરા, વિચાર અને કલાત્મક અભિવ્યક્તિનું સુંદર મિશ્રણ કરવામાં આવ્યું હતું, જે આ ફેસ્ટિવલના આગામી સેશન અને પરફોર્મન્સ માટે યોગ્ય માહોલ સેટ કરે છે.