અમદાવાદ : મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ કરાઈ છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે અને તેમની સાથે દર્શન જરીવાલા (હસમુખ પંડ્યા), વંદના પાઠક (ઇન્દુ) અને યુક્તિ રાંદેરિયા (ભૂમિ) પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. કોર્ટરૂમમાં લાગણીઓનો સમન્વય દર્શાવતી આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે. પ્રોડ્યુસર જીગર પરમાર દ્વારા 250-300 એડ્વોકેટ્સ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ શિવ સિનેમા, આશ્રમરોડ, અમદાવાદ તથા વાઈડ એંગલ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજાયું હતું.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો અક્ષય પંડ્યા (મલ્હાર) અને તેમના પિતા હસમુખ પંડ્યા (દર્શન જરીવાલા) વચ્ચેના સબંધો થોડાં જટિલ હોય છે. તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે. હસમુખ પંડ્યા કે જેઓ એક સિદ્ધાંતવાદી અને ઈમાનદાર વ્યક્તિ છે, તેમના પર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે છે. કાયદાકીય રીતે તેમને ન્યાય મળતો નથી.
અક્ષય પોતાના પિતાને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધોની જટિલતાઓને શોધે છે, સાથે સાથે પ્રામાણિકતા, પરિવાર અને સત્યને પડકારતા કેસને પણ ઉજાગર કરે છે.

પ્રોડ્યુસર જીગર પરમાર જણાવે છે કે,”ફિલ્મ કોર્ટરૂમમાં પિતા- પુત્રની ન્યાય માટે લડત દર્શાવે છે. કેટલીક વાર વકીલો માટે પણ એવું બનતું હોય છે કે સામે પોતાના જ લોકો ઉભા હોય અને વાત ન્યાયની હોય. તેથી અમે ખાસ એડ્વોકેટ્સને આ ફિલ્મ બતાવી છે. આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતાં ઘણી હટકે છે. ઉપરાંત, હું સરકારને પણ વિનંતી કરું છું કે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરે જેથી વધુમાં વધુ લોકો આ ફિલ્મ નિહાળી શકે.”

કોર્ટને સંલગ્ન આ ફિલ્મ દરેક એડવોકેટને પસંદ આવી હતી અને તેમણે ફિલ્મની સરાહના પણ કરી હતી. તમામ લોકોએ પ્રોડ્યુસર જીગર પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.