સિનેપોલિસ ઇન્ડિયા તેના લોબી વિસ્તારોમાં ડિજિટલ સ્ક્રીન્સના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ સાથે સિનેમા એડવર્ટાઈઝિંગ બિઝનેસમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. ભારતના આ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સિનેમા પ્રદર્શકે તેની આ ડિજિટલ ઇન્વેન્ટરીના સંચાલન અને વ્યાપારીકરણ માટે અગ્રણી ડિજિટલ આઉટ-ઓફ-હોમ (DOOH) મીડિયા કંપની ‘ઈટ્સ સ્પોટલાઈટ’ની નિમણૂક કરી છે. આ પહેલ હેઠળ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 63 શહેરોમાં ફેલાયેલા સિનેપોલિસના 101 સિનેમાઘરોમાં 350 થી વધુ LED સ્ક્રીન્સ, વીડિયો વોલ્સ અને ડિજિટલ ડિસ્પ્લે તૈનાત કરવામાં આવશે.
આ વ્યૂહાત્મક ભાગીદારી વિશે વાત કરતા સિનેપોલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગ સંપતે જણાવ્યું હતું કે, સિનેમાનું વાતાવરણ જાહેરાતકર્તાઓને એકાગ્ર પ્રેક્ષકો સુધી પહોંચવાની અનન્ય તક પૂરી પાડે છે, જે આઉટડોર અથવા ટ્રાન્ઝિટ મીડિયા કરતા અલગ છે. જેમ જેમ DOOH ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે અને બ્રાન્ડ્સ સોશિયલ મીડિયાના ક્લટરથી દૂર નવા વિકલ્પો શોધી રહી છે, ત્યારે સિનેમા યુવાન અને શહેરી પ્રેક્ષકો સુધી પહોંચવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ સાબિત થશે. તેમણે ઉમેર્યું હતું કે આ ભાગીદારી દ્વારા કંપની તેના મુખ્ય એક્ઝિબિશન બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જાહેરાતની નવી તકોને પણ વેગ આપશે.
EY-FICCI M&E રિપોર્ટ 2024 મુજબ, ભારતનું આઉટ-ઓફ-હોમ એડવર્ટાઈઝિંગ સેગમેન્ટ રૂ.5,920 કરોડ સુધી પહોંચ્યું છે, જેમાં ડિજિટલ OOH નો હિસ્સો 2027 સુધીમાં વધીને 17% થવાની સંભાવના છે. આ સંદર્ભમાં ‘ઈટ્સ સ્પોટલાઈટ’ના સ્થાપક અને ડિરેક્ટર વીરકરણ સિંઘે જણાવ્યું હતું કે સિનેમા સ્ક્રીન્સ જાહેરાતકર્તાઓ માટે પ્રીમિયમ અને અત્યંત સક્રિય પ્રેક્ષકો સાથે જોડાવાની શક્તિશાળી તક પૂરી પાડે છે. આ નેટવર્ક દ્વારા બ્રાન્ડ્સ હવે પ્રોગ્રામેટિક બાયિંગ, રિયલ-ટાઇમ એનાલિટિક્સ અને પર્ફોર્મન્સ-લિંક્ડ એક્ઝેક્યુશનની મદદથી રાષ્ટ્રીય સ્તરે પ્રભાવશાળી પરિણામો મેળવી શકશે. આ પ્લેટફોર્મ પર જાહેરાતકર્તાઓને ઇમ્પ્રેશન્સ, ઓડિયન્સ પ્રોફાઇલ અને ફૂટફોલ ડેટા જેવા મહત્વના આંકડાઓ પણ ઉપલબ્ધ થશે.
