- યશ સોની સ્ટારર ફિલ્મ ‘ડેની જીગર’ આજે રીલીઝ થઈ ગઈ છે.
- જો મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે તો આ ફિલ્મ તમારા માટે છે
જો તમને મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે, જો તમે ફિલ્મમાં લોજિક નથી શોધતા, જો તમે બોડી શેમિંગ જેવી વાતોથી ઓફેન્ડ નથી થતા, બેઝિકલી તમે ફિલ્મ જો માત્ર ખડખડાટ હસવા માટે જુઓ છો, તો ડેની જીગર ફિલ્મ તમારા માટે છે. ક્યારેક અહીં તમને 90sના બોલીવુડની ઝલક દેખાય, તો ક્યારેક 70sના ડાન્સ સ્ટેપ્સ દેખાય. ક્યારેક લાગે કે આ ફિલ્મ બોલીવૂડને ટ્રિબ્યુટ છે કે પછી બોલીવૂડ પર સટાયર છે?
ફિલ્મમાં કેડી અને યશ સોનીની જોડી હોવાને કારણે ઉત્સુક્તા વધારે હતી. પણ સાથે જ તર્જની ભાડલા, ચેતન દૈયા, રાહુલ રાવલ, જીતેન્દ્ર ઠક્કર, ઓમ ભટ્ટ અને પ્રેમ ગઢવી જેવા કલાકારોનું કામ જોવા પણ અમે એક્સાઈટેડ હતા. ખાનગી વાત જો તમને કહી દઈએ તો બધા જ કલાકારોએ ફિલ્મમાં મજા કરાવી છે. એક્ટિંગ લાઉડ જરૂર છે, પરંતુ ફિલ્મની થીમ જ આ છે.
ગુજરાતી દર્શકોને નાટક હોય કે ફિલ્મ, કોમેડી વધારે જ ગમે છે. ‘ડેની જીગર’ પણ આવી જ એક કોમેડી ફિલ્મ છે જેમાં બૉલીવુડ અને સાઉથના હિરોનું કોમ્બિનેશન જોવા મળે છે. અને જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ‘દેશ વિદેશ સમિટ માટે એક 600 વર્ષ જૂની મૂર્તિ આપણાં નેતા વિદેશના નેતાને ભેટ આપવા છે, પણ તેના એક મહિના પહેલા આ મૂર્તિ ચોરાઇ જાય છે અને તેને શોધવાની જવાબદારી ઇન્સ્પેકટર ડેની જીગરને મળે છે. હવે આ મૂર્તિ કોણે ચોરી, શા માટે ચોરી અને ડેની જીગર ચોરને કેવી રીતે પકડી પાડે છે અને આ દરમિયાન કેવી રીતે એક જાડી છોકરીના પ્રેમમાં પડે છે.. આ છે કહાની.’ પણ મજા અહીં રજૂઆતની છે. ડિરેક્ટર કેડીએ અહીં ઘણા એવા સીન્સ શૂટ કર્યા છે, જે તમે ક્યારેય કોઈ ફિલ્મમાં વિચાર્યા પણ નહીં હોય.
આ બે કલાકની ફિલ્મમાં ઘણા સીન એવા પણ આવશે કે તમે કહેશો કે ‘બસ બસ.. આ ઘણું વધી ગયું.’ પણ આગળ કહ્યું તેમ જો તમે મગજ બાજુએ મૂકીને જોશો તો ખુરશી પકડીને હસશો. પણ, ક્યારેક ક્યારે કોઈ સીનમાં એવું થશે કે સાવ આવું તો ના જ હોય. હવે વધારે થઈ રહ્યું છે, હસવું નથી આવતું. પરંતુ, તેના બીજા કે ત્રીજા જ સીનમાં તમે હસશો એ ચોક્કસ છે. ક્યાંક ચીતરી પણ ચડે તેવા રિયલ લાઈફ ઈન્સીડન્ટને ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યા છે.
2 કલાકની ફિલ્મમાં એક પણ ઇમોશનલ સીન નથી અને લવ સીનમાં પણ પ્રેમ નથી.. બસ કોમેડી કોમેડી અને કોમેડી… જો કે ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકનું કામ વખાણવાલાયક છે. સાથે જ ફિલ્મમાં થોડા વન ટેક સીન લેવામાં આવ્યા છે જેમાં કલાકારોની મહેનત દેખાઈ રહી હતી.
- – ક્રિષ્ના ત્રિવેદી