ખેલે સાણંદ સીઝન ૩ નો ભવ્ય સમાપન: અણદેજ(ભાઈઓ)અને ડી.જી.સ્કૂલ (બહેનો) U-14 કબડ્ડીમાં ચેમ્પિયન

~  શેલા (ભાઈઓ) અને ઝાંપ (બહેનો) રનર્સ-અપ ~

સાણંદ, ગુજરાત, ૩૦ માર્ચ, ૨૦૨૬: સાણંદ તાલુકામાં પાયાના સ્તરે રમતગમતના વિકાસ માટે આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ – સીઝન ૩ નો ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય સમાપન સમારોહ સાથે સફળતાપૂર્વક અંત આવ્યો હતો. લીગના અંતિમ મુકાબલાઓમાં ઉત્સાહ અને જોરદાર સ્પર્ધા જોવા મળી હતી.

U-14 ભાઈઓ કબડ્ડીની ફાઈનલમાં અણદેજ ટીમે શેલા ટીમને ૬૨–૨૧ના જંગી અંતરે પરાજય આપી ચેમ્પિયનશિપ જીતી હતી. જ્યારે U-14 બહેનો કબડ્ડીની ફાઈનલમાં ડી.જી. સ્કૂલની ટીમે ઝાંપ ટીમને ૧૦૨–૧૮થી હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો.

સમાપન સમારોહ દરમિયાન U-14 કબડ્ડી ઉપરાંત ખો-ખો, ઓપન કબડ્ડી, ઓપન વોલીબોલ તથા એથ્લેટિક્સના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રણજી ટ્રોફી ખેલાડી અને ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રી ચિંતન ગજા ઉપસ્થિત રહ્યા. જેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં હાજરી આપતા મને મારા શાળાકાળની યાદો તાજી થઈ ગઈ. હું પણ કબડ્ડી અને વોલીબોલ જેવી રમતોમાં ભાગ લેતો હતો. આજે હું ક્રિકેટમાં છું, પરંતુ મારા રમતજીવનનો પાયો શાળાકાળની આવી સ્પર્ધાઓથી જ મજબૂત થયો છે. ‘ખેલે સાણંદ’ જેવી પહેલ બાળકો માટે અત્યંત ઉપયોગી છે. આયોજકોને વિનંતી છે કે આગામી વર્ષોમાં વધુ રમતોનો સમાવેશ કરીને વધુ બાળકો સુધી પહોંચવું જોઈએ.”

અગાઉ યોજાયેલા મુકાબલાઓમાં તેલાવ ટીમે U-14  ભાઈઓ અને બહેનો બંને ખો-ખો સ્પર્ધામાં વિજય મેળવી ચેમ્પિયન થયા હતા, જ્યારે માણકોલ ટીમે ઓપન કબડ્ડી અને વોલીબોલ બંનેમાં ખિતાબ પોતાના નામે કર્યા હતા.

ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ સીઝન–૩માં ઐતિહાસિક સહભાગિતા નોંધાઈ હતી. કુલ ૧૦૫ ગામોના ૭,૧૬૦ ખેલાડીઓએ ચાર અલગ-અલગ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નોંધનીય છે કે સીઝન–૧માં ૧,૮૪૦ ખેલાડીઓ (૧૫૨ ટીમો), સીઝન-૨ માં ૨,૫૪૪ ખેલાડીઓ (૨૧૨ ટીમો)ની ભાગીદારી અને સીઝન-૩ માં ૪,૦૦૦ ખેલાડીઓ (૩૩૯ ટીમો)ની ભાગીદારી થઇ, આ વૃદ્ધિ દર્શાવે છે કે સાણંદ હવે “વાઈબ્રન્ટ સ્પોર્ટ્સ તાલુકા” તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે.

આ સીઝનમાં પ્રથમ વખત એથ્લેટિક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૦૭ શાળાઓના ૩,૧૬૦ ખેલાડીઓએ ૧૧ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

વિજયી ભારત ફાઉન્ડેશન(VBF) અંતર્ગત શરુ થયેલ ‘ખેલે સાણંદ’ પહેલ પાયાના સ્તરે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા, તેમની પ્રતિભાને નિખારવા અને રમતગમત દ્વારા ચારિત્ર્ય નિર્માણ કરવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાથે સાથે, આ પહેલ પરંપરાગત ભારતીય રમતોની સંસ્કૃતિને જીવંત રાખવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

ખેલે સાણંદ સીઝન–૩ વિજેતાઓ

U-14  બહેનો કબડ્ડી: ડી.જી. સ્કૂલ

U-14  ભાઈઓ કબડ્ડી: અણદેજ

U-14  ભાઈઓ ખો-ખો: તેલાવ

U-14  બહેનો ખો-ખો: તેલાવ

• ઓપન કબડ્ડી: માણકોલ

• ઓપન વોલીબોલ: માણકોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *