ગુજરાત : ગુજરાતી સિનેમાની અત્યંત લોકપ્રિય અને હૃદયસ્પર્શી સોશિયલ કોમેડી ફિલ્મ ‘મહારાણી’ હવે ડિજિટલ માધ્યમ પર પોતાની સફળતાના નવા શિખરો સર કરી રહી છે. મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ, આ ફિલ્મ હવે જાણીતા ગુજરાતી OTT પ્લેટફોર્મ JOJO એપ પર રિલીઝ કરવામાં આવી છે, જ્યાં તેને પ્રેક્ષકો તરફથી અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વિરલ શાહના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લિખિત છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લોકોની પ્રથમ પસંદગી બની છે.
ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં શ્રદ્ધા ડાંગર દ્વારા ભજવવામાં આવેલું ‘રાણી’નું પાત્ર છે, જે એક માસૂમ અને રમુજી કામવાળી તરીકે માનસી પારેખ અને ઓજસ રાવલના મોર્ડર્ન ઘરમાં એન્ટ્રી કરે છે. આ પાત્રો વચ્ચેની નોકઝોક અને તેમાંથી સર્જાતી રમુજી પરિસ્થિતિઓ દર્શકોને હસવા પર મજબૂર કરી દે છે. માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને અનુભવી કલાકાર સંજય ગોરાડિયાની દમદાર એક્ટિંગે આ ફિલ્મને દરેક વર્ગના લોકો માટે મનોરંજક બનાવી છે. JOJO એપ પર આ ફિલ્મ સ્ટ્રીમ થવાથી હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ પોતાના ઘરે બેઠા આ મનોરંજક ફિલ્મનો આનંદ માણી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર ફિલ્મના ડાયલોગ્સ અને સીન્સના ક્લિપ્સ ભારે વાયરલ થઈ રહ્યા છે.
આ સફળતા અંગે JOJO એપના ફાઉન્ડર અને CEO ધ્રુવિન શાહ જણાવે છે કે, “અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે ગુજરાતી પ્રેક્ષકોને સારું એન્ટરટેઇન્મેન્ટ કન્ટેન્ટ મળી રહે. મહારાણી જેવી હિટ રહેલ ફિલ્મને JOJO એપ પર મળી રહેલો પ્રતિસાદ દર્શાવે છે કે દર્શકો સારી વાર્તાઓ જોવા માટે ઉત્સુક છે. અમને ગર્વ છે કે અમે આ ડિજિટલ માધ્યમ દ્વારા વિશ્વભરના ગુજરાતીઓને તેમના પરિવાર સાથે ઘર બેઠા શ્રેષ્ઠ સિનેમાનો આનંદ આપી શક્યા છીએ.”
JOJO એપ વિશે વાત કરીએ તો, તે ટૂંકા સમયમાં ગુજરાતી મનોરંજન જગતનું એક વિશ્વસનીય નામ બની ગયું છે. પ્રાદેશિક ભાષામાં શ્રેષ્ઠ કન્ટેન્ટ પીરસવાના ઉદ્દેશ્ય સાથે આ એપ પર ‘મહારાણી’ જેવી ફિલ્મો ઉપરાંત અનેક વેબ સિરીઝ અને ડ્રામા ઉપલબ્ધ છે. જો તમે હજુ સુધી આ હાસ્યસભર મુસાફરીનો હિસ્સો નથી બન્યા, તો અત્યારે જ JOJO એપ પર ‘મહારાણી’ નિહાળી શકો છો.
