‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ:  સિતારા અને ફિલ્મ ‘લાલો’ના મેકર્સે ગુજરાત ફિલ્મ સિટીને વિકસાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો

  • ‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ યોજાયો

અમદાવાદ, ડિસેમ્બર, 2025- મનોરંજન અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ ‘સિતારા’ (Citara) દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો’ ના મેકર્સનું એક વિશેષ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે, “જામખંભાળિયા સહિતના અમારા તમામ કેન્દ્રો પર ‘લાલો’ એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સિનેમેટિક ઉત્કૃષ્ટતામાં આ મોટી છલાંગથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આગામી 12 થી 18 મહિનામાં ગુજરાતમાં 25  સ્ક્રીન્સ સ્થાપવા માટે અમે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ.”

ફિલ્મના નિર્માતા અજય બળવંત પડરીયા અને દિગ્દર્શક અંકિત સખિયાએ સિતારાની ટીમ સાથે નોંધ્યું હતું કે, આ માઇલસ્ટોન માત્ર વર્તમાન સિદ્ધિની ઉજવણી નથી, પરંતુ ભવિષ્યની રોમાંચક તકોનો સંકેત પણ છે, કારણ કે ટીમ લાલો દેશભરના દર્શકોને પ્રેરણા અને મનોરંજન આપવાનું ચાલુ રાખે છે.

આ કાર્યક્રમમાં કલાકારો મૌલિક ચૌહાણ, શ્રુહદ ગોસ્વામી અને ડીઓપી (DoP) શુભમ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સિતારાના સિનેમા નેટવર્ક પર આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સિતારા એ ભારતનાં ટીયર 2, 3 અને 4 શહેરો માટે ખાસ ડિઝાઇન કરાયેલું સિનેમા-થીમ્ડ મનોરંજન સ્થળ છે, જે નાની ક્ષમતા ધરાવતા અને ટેકનોલોજીથી સજ્જ થિયેટરો પ્રદાન કરે છે. આ સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતી સિનેમા હવે પુખ્ત બન્યું છે અને ભારતીય સિનેમામાં આગામી મોટી સફળતા તરફ પ્રયાણ કરી રહ્યું છે.

સન્માન સમારોહ દરમિયાન, ‘લાલો’ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આ ફિલ્મમાં વિશ્વાસ મૂકવા અને ગુજરાતી સિનેમાને રૂ. ૧૦૦ કરોડના ક્લબમાં પહોંચાડવા બદલ દેશ-વિદેશના ગુજરાતી પ્રવાસીઓનો (Gujarati Diaspora) આભાર માન્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘લાલો’ની ટીમ દ્વારા ગુણવત્તા માટેનો સતત પ્રયાસ અને પ્રેક્ષકો સાથેના મજબૂત ભાવનાત્મક જોડાણને કારણે આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે.

એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા, સિતારા અને ‘લાલો’ ના સર્જકોએ ગુજરાતમાં એક અત્યાધુનિક ફિલ્મ સિટી અને વર્લ્ડ ક્લાસ મીડિયા સ્કૂલ વિકસાવવામાં રસ દાખવ્યો હતો. આ પ્રોજેક્ટનો વિગતવાર બ્લુપ્રિન્ટ ટૂંક સમયમાં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂચિત ફિલ્મ સિટી અને મીડિયા સ્કૂલનો મુખ્ય હેતુ ગુજરાતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન અનુસાર ગુજરાતને ઈન્ટરનેશનલ ક્રિએટિવ હબ તરીકે સ્થાપિત કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *