ગ્રીન નેનોટેક્નોલોજી અને બાયો-મેડિકલ વિજ્ઞાનના સમન્વય તરફ નવો અધ્યાય
અમદાવાદ: તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઇન્ડસ એડવાન્સ ગ્રીન નેનોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (iAGNi) નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.. દીપ પ્રજ્વલનથી કાર્યક્રમની શરૂઆત થતાં જ સમગ્ર કેમ્પસમાં વૈજ્ઞાનિક નવોત્થાન અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો .આ ઇન્સ્ટિટ્યૂટ ભારત તેમજ એશિયામાં પોતાની પ્રકારનું પ્રથમ સંશોધન કેન્દ્ર બની રહ્યું છે.
સમારોહના મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને પદ્મભૂષણ સન્માનિત પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાત ડૉ. તેજસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ગ્રીન નેનોટેક્નોલોજીના આરોગ્ય, પર્યાવરણ તેમજ સંશોધન ક્ષેત્રોમાં વધી રહેલા મહત્વ પર પ્રકાશ પાડયો હતો . તેમણે ભારતીય જ્ઞાન પરંપરાની મહાનતા, આયુર્વેદની પ્રાચીન સંશોધન પરંપરા, ચરકની શસ્ત્રક્રિયા વિજ્ઞાનના યોગદાન અને આધુનિક ટેક્નોલોજી સાથેના તેની સુસંગત સમન્વય વિશે વિશદ રીતે સમજાવ્યું હતું .તેમણે જણાવ્યું કે iAGNi ઇન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજી, બાયોમેડિકલ સાયન્સ અને ભારતીય જ્ઞાનપદ્ધતિઓના સંકલનની એક અનોખી કડી બનશે, જે આગામી વર્ષોમાં આરોગ્યક્ષેત્ર તથા એકેડમીક સંશોધનને ઉત્તમ ગતિ આપશે.
ગેસ્ટ ઓફ ઓનર ડૉ. કે. એસ. નાગેશે આંતરવિષયક સંશોધનની વધતી આવશ્યકતા અંગે ભારપૂર્વક વાત કરી અને જણાવ્યું કે ગ્રીન નેનોટેક્નોલોજી ભાવિ આરોગ્ય અને પર્યાવરણના પડકારોને ઉકેલવામાં મદદરૂપ થશે.
ઇન્ડસ યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. નાગેશ ભંડારી, ભૂતપૂર્વ સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા. શ્રી અનંતકુમાર હેગડે અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. કટ્ટેશ વી. કટ્ટીએ પણ પોતાના વિચાર રજૂ કર્યા. તેમણે ઇન્સ્ટિટ્યૂટના ભાવિ સંશોધન, ઉદ્યોગ સાથેના સહકાર અને વૈશ્વિક સ્તર પર ભારતને પ્રધાન સ્થાન અપાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી.
ઉદ્ઘાટન સમારોહ બાદ મહેમાનોને iAGNi ઇન્સ્ટિટ્યૂટની અદ્યતન સુવિધાઓ, સંશોધન પ્રયોગશાળાઓ અને ગ્રીન નેનો -ઇનોવેશન મોડ્યુલોની મુલાકાત કરાવવામાં આવી. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આગામી વર્ષોમાં આરોગ્ય ટેક્નોલોજી, બાયોઈન્વેશન અને ગ્રીન મટિરિયલ્સની નવી દિશાઓ વિકસશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી .
