રાજકુમાર સંતોષી અને આમિર ખાનની આ ફિલ્મની એકથી વધુ વખત જાહેરાત થઈ અને પછી આ ફિલ્મ પાછી પણ ખેંચાઈ. આમિર આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે, તેણે જ ફિલ્મના લેખકને આગ્રહ કર્યો છે કે તે ‘સિતાર ઝમીન પર’ પછી ‘લાહોર 1947’ રિલીઝ કરવા માગે છે.
આ ફિલ્મમાં રાજકુમાર સંતોષી પહેલી વખત શબાના આઝમી સાથે પણ કામ કરી રહ્યા છે, તે અંગે તેમણે કહ્યું,“તેમણે 50 વર્ષ સુધી દર્શકોને ચકિત કર્યાં છે. જેવા લોકો એવું વિચારતાં થયાં કે હવે તેઓ આથી વિશેષ કોઈ રોલ નહીં કરે, ત્યાં જ તેઓ ફરી એક વખત કારકિર્દીને નવો વળાંક આપતી રજૂઆત લઇને લાહોર 1947માં જોવા મળશે. મારી વાત માનો, મારી આ ફિલ્મ જોતાં લોકોમાંથી કોઈની પણ આંખ કોરી નહીં રહે. ઘણી રીતે તેઓ મારી ફિલ્મના કેન્દ્રમાં રહેલું પાત્ર છે. તેમણે અમને બધાને અચંભિત કરી દીધાં હતાં. માત્ર એક એક્ટ્રેસ તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે પણ. હું તેમની સાથે વધુ કામ કરવાની રાહમાં છું.”c
આ ફિલ્મ અંગે ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ જણાવ્યું, “હું મારી ફિલ્મ આ જ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ કરવાનું વિચારું છું. મેં આ ફિલ્મ બનાવવા માટે લગભગ 20 વર્ષ સુધી રાહ જોઈ છે. તમે આ ફિલ્મને મારો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહી શકો છો. જે બનવાનું છે એ બનવાનું જ છે. હું આ ફિલ્મ સની દેઓલ સાથે બનાવવા માગતો હતો અને આ ફિલ્મ માટે એ જ સૌથી સરસ રીતે બંધ બેસે છે. કારણ કે એ પડદા પર ક્લાસિક અને કન્ટેમ્પરરીનું એક સારું મિશ્રણ લઇને આવે છે. ભુતકાળની મારી સની સાથેની ફિલ્મ ‘ઘાયલ’, ‘ઘાતક’ સનીની કારકિર્દીની પણ ઘણી મહત્વની ફિલ્મ છે અને મારી પણ. હવે મને વિશ્વાસ છે કે ‘લાહોર 1947’ પણ એટલી જ અસરકારક ફિલ્મ બની રહેશે.”