Ahmedabad: ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર છાત્રાલય કાર્યરત છે. આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે પ્રમુખશ્રી કેશવભાઈ એસ. પ્રજાપતિના નેતૃત્વ નીચે એક અદ્યતન કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે. 500 દીકરીઓને સમાવતા અદ્યતન કન્યા છાત્રાલયમાં લાઇબ્રેરી, ઈ-લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ, કેફેટ એરીયા, જીમ વગેરેની વ્યવસ્થા પણ છે. દીકરીઓના આરોગ્ય માટે પણ મેડિકલ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. આ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને રાહત દરે રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે તેમજ તેમની સલામતીની કાળજી રાખવામાં આવશે. છાત્રાલયથી શૈક્ષણિક સંકુલ અને યુનિવર્સિટી તદ્દન નજીવા અંતરે છે. તેથી દીકરીઓ માટે આ છાત્રાલય રહેવાનું ઉત્તમ સ્થળ બની રહેશે. જેની ડિઝાઇન ખ્યાતનામ આર્કિટેક્ટ હર્ષદભાઈ કે. પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
ગુજરાતના પ્રજાપતિ સમાજમાં સામાજિક, શૈક્ષણિક જાગૃતિ આવે અને સામાજિક સંગઠન મજબૂત બને તે હેતુથી તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સામાજિક અને શૈક્ષણિક સુધારાના ઠરાવો પણ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના ગામેગામથી બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી ઉપસ્થિત રહીને માર્ગદર્શન અને આશિર્વચન આપશે.
આ અંગે સમાજના પ્રમુખ શ્રી કેશવલાલ એસ. પ્રજાપતિ, વિજયભાઈ કે. પ્રજાપતિ, પ્રો. ડૉ. જયંતીભાઈ પ્રજાપતિ, ડૉ. વિધિ એન. ઓઝા, વર્ષાબેન હારેજા, અરુણાબેન પ્રજાપતિ, વસંતભાઈ પ્રજાપતિએ સંસ્થા અને સંમેલન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ કાંતિભાઈ ઓઝા (સુરત), દીપકભાઈ પ્રજાપતિ, ગંગારામભાઈ પ્રજાપતિ, કે.ડી. પ્રજાપતિ, વિઠ્ઠલભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.