માત્ર ગુજરાતમાં જ નહી પણ સમગ્ર દેશના ૩૪ થી વધુ શહેરોમાં આવાસ, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ નાં મુદ્દે કાર્યરત સંસ્થા મહિલા હાઉસીંગ ટ્રસ્ટ દ્વારા આજે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે વિશેષ ક્લાઈમેટ રીસ્ક ઈન્સ્યોરન્સ સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બીજલ બ્રહ્મભટ્ટ (ડાયરેક્ટર, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), સિરાઝ હિરાણી (સિનિયર પ્રોગ્રામ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), ભાવના મહેરિયા (પ્રોગ્રામ મેનેજર, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), રાજી ગોરાણા (કન્સલ્ટન્ટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), ધ્વની શાહ (સુરત મહિલા નાગરિક ધીરણ સહકારી મંડળી લિ.), નીતલ પટેલ (શ્રી સ્વાશ્રયી મહિલા નાગરિક ધીરણ સહકારી મંડળી, લિ. વડોદરા), ચિરાયુ બ્રહ્મભટ્ટ (ડેવલોપમેન્ટ એસોશિએટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ) વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
ખાસ પ્રકારાના આ વીમાંની પ્રોડક્ટ ગ્લોબલ પેરામેટ્રિક્સ (GP), હાઉડેન ગ્રૂપ અને ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનાં સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ પ્રોડક્ટ અને પ્રોજેકટની વિશેષ માહિતી આપતા સંસ્થાના નિયામકશ્રી બીજલબેન બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, “મહિલા હાઉસીંગ ટ્રસ્ટ છેલ્લા ત્રણ દાયકાથી જળવાયું પરિવર્તનના મુદ્દે જાગૃતિ, ટેકનોલોજીનાં અવનવા પ્રયાસો કરી સરકાર અને સમુદાયને જોડવાનું કામ કરે છે. આબોહવાની અસરો અને વધતી જતી અસહ્ય ગરમીથી સામાન્ય જનતા અને એમાં પણ અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને સ્વાસ્થ્યની સાથે સાથે આજીવિકાનું પણ ખુબ મોટું જોખમ રહેલું છે તેવા સંજોગોમાં એક અનોખા વીમા કવચનો અમે શુભારંભ કરી રહ્યા છીએ. શરુઆતમાં આ યોજનામાં અમદાવાદ, વડોદરા, સુરત, તાપી, ગાંધીનગર અને આણંદ ની અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને આવરી લેવામાં આવશે.”
“ક્લાયમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ (CRI) ની શરૂઆત કરતા પહેલા વીમા પ્રોડક્ટ અને પ્રીમિયમ બાબતે અમે શહેરની વિવિધ સમુદાયની બહેનોનાં સલાહ સુચનો લીધા હતા. છેલ્લા ઘણા સમયથી અવારનવાર બેઠકો, ચર્ચાઓ અને સુધારા વધારા બાદ આ વીમાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આવા પ્રકારના વીમામાં પ્રીમિયમ અને પે આઉટ ખુબ અગત્યના પાસા છે. મહિલાઓના સુચનો ને ધ્યાનમાં રાખી વીમાનું પ્રીમિયમ પણ સામાન્ય મહિલાને પોષાય તેવું રાખવામાં આવ્યું છે. ઈન્સ્યોરન્સનો સમયગાળો ઉનાળાની ઋતુમાં એપ્રીલ માસ થી જુલાઈ માસ સુધીનો રાખવામાં આવ્યો છે. વીમાના કવર વિષે ખાસ અભ્યાસ બાદ અને મહિલાઓના સુચનો મુજબ ઓછામાં ઓછા 3 દિવસ તથા વધુમાં વધુ 6 દિવસની આવકનાં નુકશાનને કવર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદનું તાપમાન સતત બે દિવસ સુધી 43.72°C, બરોડામાં 43.6°C, અને સુરતમાં 37.67°C (પૂર્વનિર્ધારિત થ્રેશોલ્ડ)થી વધુ થાય ત્યારે પે આઉટ થશે.”- વધુમાં તેઓ એ જણાવ્યું હતું.
વિમાની પ્રોડક્ટ મહિલાઓને સમજાવી ઘણી અઘરી હોય છે. મહિલા હાઉસીંગ ટ્રસ્ટ દ્વારા આ વીમાની સચોટ સમજણ અને જાગૃતિ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અસહ્ય ગરમીથી થતા નુકશાન સામે વીમો શા માટે લેવો જોઈએ એની સમજણ કેળવવા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ખાસ ‘ગુડ લક ક્લાઈમેટ રિસ્ક ઈન્સ્યોરન્સ ગેમ’ તૈયાર કરવામાં આવી છે. મહિલાઓને વિશેષ તાલીમ કાર્યક્રમમાં આ રમત દ્વારા આબોહવાનાં જોખમો અને તેની સાથે અનુકૂલન સાધવા માટે શું કરી શકાય? વીમાથી જોખમમાં શું લાભ થાય જેવા મુદ્દાઓની સમજણ આપવામાં આવે છે.