અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે એક વિશેષ ધાર્મિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓડિશાથી પધારેલા પ્રસિદ્ધ સનાતન ધર્મના ઉપાસક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના રચયિતા પંડિત ડો. કાશીનાથ મિશ્રાજીએ કળિયુગના અંત અને આગામી પરિવર્તનકારી સમય વિશે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી.
પંડિતજીએ શાસ્ત્રોક્ત વિગતો આપતા જણાવ્યું કે, કળિયુગના ૫૦૦૦ વર્ષ પૂર્ણ થવાની સાથે જ પરિવર્તનની શરૂઆત થશે. વર્ષ ૨૦૩૨થી સમગ્ર વિશ્વમાં કલકી અવતારના પ્રાદુર્ભાવની પ્રતીતિ થવા લાગશે. ળિયુગના અંતના એંધાણ: પંડિત ડો. મિશ્રાજીએ જણાવ્યું હતું કે જગન્નાથ પુરીના પવિત્ર મંદિરમાં બનનારી કેટલીક ઘટનાઓ યુગ પરિવર્તનનો સંકેત આપશે. જેમાં અરુણ સ્તંભ અને નીલ ચક્ર પર ગીધ પક્ષીનું બેસવું, મંદિરના પથ્થરો પડવા, ધ્વજાનું વારંવાર પડવું અને કલ્પવૃક્ષની ડાળીઓ તૂટવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ભવિષ્ય માલિકાના ગ્રંથોમાં વર્તમાન વૈશ્વિક તણાવ અને ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ વચ્ચે ‘રામ રાજ્ય’ની પુનઃસ્થાપનાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભયંકર દુકાળ અને વિનાશ બાદ ફરી એકવાર ધર્મની સંથાપના થશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરમાત્માનું અવતરણ માત્ર મનુષ્યો માટે જ નહીં, પણ બ્રહ્માંડના તમામ જીવોના કલ્યાણ માટે હોય છે. માત્ર નિઃસ્વાર્થ ભક્તિ દ્વારા જ મનુષ્ય આ કઠિન સમયમાં ચિર સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે.
