· ડૉ. આશિતા જૈન, ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, બિરલા ફર્ટિલિટી એન્ડ IVF, સુરત
ઘણા વર્ષો સુધી, ફર્ટિલિટી (પ્રજનન ક્ષમતા) પરીક્ષણોને એવું માનવામાં આવતું હતું કે દંપતી માત્ર ત્યારે જ તેનો આશરો લે છે જ્યારે તેઓ ગર્ભ ધારણ કરી શકતા નથી. પરંતુ આજે, આ માન્યતા બદલાઈ રહી છે. વધુ લોકો – સ્ત્રીઓ અને પુરુષો બંને – ગર્ભાવસ્થાની યોજના કરતા પહેલા પણ, તેમના પ્રજનન સ્વાસ્થ્યને વહેલી તકે સમજવાનું પસંદ કરી રહ્યા છે. તેનું કારણ સરળ છે: જાણકારી આપણને વધુ સારી પસંદગીઓ કરવાની શક્તિ આપે છે.
ફર્ટિલિટી હેલ્થ સામાન્ય સ્વાસ્થ્ય જેટલું જ મહત્વનું છે
જેમ આપણે નિયમિતપણે આપણું બ્લડ પ્રેશર કે સુગર લેવલ તપાસીએ છીએ, તેમ આપણું પ્રજનન સ્વાસ્થ્ય પણ ધ્યાન આપવાને પાત્ર છે. ફર્ટિલિટી સ્થિર નથી – તે સમય સાથે વિકસિત થાય છે. શરૂઆતમાં જ ફર્ટિલિટીના ઈન્ડિકેટર્સનું મૂલ્યાંકન શરીર કેવી રીતે કાર્ય કરી રહ્યું છે સમજવામાં મદદ કરે છે, ભલે કોઈ લક્ષણો દેખાતા ન હોય.
માત્ર ઉંમર કરતાં વધુ
જ્યારે ઉંમર મુખ્ય પ્રભાવક રહે છે, તે ફર્ટિલિટીને અસર કરતું એકમાત્ર પરિબળ નથી. હોર્મોનલ સંતુલન, તણાવ, ઊંઘ, આહાર, જીવનશૈલીની આદતો અને પર્યાવરણીય સંપર્ક (environmental exposures) – આ બધું જ પ્રજનન ક્ષમતાને અસર કરે છે. અભ્યાસો દર્શાવે છે કે એકજ ઉંમરના સ્ત્રીઓમાં ઓવેરિયન રિઝર્વમાં ઘણો ફરક હોઈ શકે છે. એક અભ્યાસ અનુસાર 27–37 વર્ષની લગભગ 19% સ્ત્રીઓમાં કોઈ લક્ષણ ન હોવા છતાં ઈંડાની સંખ્યા (egg reserve) સામાન્ય કરતા ઓછી જોવા મળી.
આ એક મહત્વપૂર્ણ મુદ્દા પર ભાર મૂકે છે: ફર્ટિલિટીની આગાહી હંમેશાં માત્ર ઉંમર કે બાહ્ય દેખાવ દ્વારા કરી શકાતી નથી.
વહેલી ફર્ટિલિટી ટેસ્ટિંગનું મહત્વ
સરળ ટેસ્ટો- જેમ કે AMH (એન્ટી-મ્યુલેરિયન હોર્મોન) તપાસ અથવા ઓવેરિયન રિઝર્વ જોવા માટેનું અલ્ટ્રાસાઉન્ડ- પ્રજનન સ્વાસ્થ્ય અંગે વહેલી સમજણ આપે છે. આ ટેસ્ટો પ્રતિક્રિયાત્મક કરતાં પ્રોઆક્ટિવ રીતે કરાવવામાં વધારે ફાયદાકારક સાબિત થાય છે.
કમનસીબે, ગર્ભ ધારણ કરવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગે ત્યારે જ ઘણા દંપતી પરીક્ષણ વિશે વિચારે છે. તેમ છતાં, સમય જતાં ફર્ટિલિટી કુદરતી રીતે ઘટે છે, જે સ્ત્રીઓમાં ઘણીવાર ત્રીસીના પ્રારંભમાં શરૂ થાય છે, અને પુરુષોમાં શુક્રાણુ (sperm)નું સ્વાસ્થ્ય પણ તણાવ, નબળી ઊંઘ, ધૂમ્રપાન અથવા લાંબા કામકાજના કલાકોથી પ્રભાવિત થઈ શકે છે.
એક વધુ સ્માર્ટ, વધુ સ્વાસ્થ્યપ્રદ અભિગમ
ફર્ટિલિટી ચેક-અપ જાગૃતિ અને પગલાં (action) વચ્ચેનો અંતર દૂર કરે છે. તે અવરોધો બને તે પહેલાં સૂક્ષ્મ ફેરફારોને ઉજાગર કરવામાં મદદ કરે છે, જેનાથી યુગલોને તેમની જીવનશૈલીને સમાયોજિત કરવાની, તેમની સમયરેખાનું વધુ સભાનપણે આયોજન કરવાની, અથવા જરૂર પડે તો વહેલી તબીબી સલાહ લેવાની તક મળે છે. ફર્ટિલિટી હેલ્થ પર નિયંત્રણ મેળવવાનું કોઈ ભયનું કારણ નથી, તે તમારા પ્રજનન ભવિષ્ય પર સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને નિયંત્રણ મેળવવા વિશે છે.
