સપ્ટેમ્બર 2025: ગુજરાતી સિનેમાના માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે જાનકી બોડીવાલા સ્ટારર સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ વશ ને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બે મોટાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ફિલ્મને ‘શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો એવોર્ડ મળ્યો છે.
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી ભવ્ય પુરસ્કાર વિધિમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ એવોર્ડ્સ રજુ કર્યા. દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક (બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન) અને પ્રોડ્યુસર કલ્પેશ સોની (કે એસ એન્ટરટેઇન્મેન્ટ) એ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત કર્યો, જ્યારે જાનકી બોડીવાલાને તેમની પ્રભાવશાળી અભિનય માટે સન્માનિત કરવામાં આવી.
આ અવસરે ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક (બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન) અને પ્રોડ્યુસર કલ્પેશ સોની (કે એસ એન્ટરટેઇન્મેન્ટ) સાથે પ્રોડ્યુસર્સ કૃણાલ સોની (કે એસ એન્ટરટેઇન્મેન્ટ), નિલય ચોટાઈ (અનંતા બિઝનેસ કોર્પ) અને દિપેન પટેલ (પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો) પણ હાજર રહ્યા.
પ્રોડ્યુસર્સે તેમના ભાવનાઓ વ્યક્ત કરતાં જણાવ્યું, “આ અમારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. વશ બનાવતી વખતે ક્યારેય વિચાર્યું નહોતું કે ફિલ્મને આટલું મોટું રાષ્ટ્રીય સન્માન મળશે. આ એવોર્ડ સમગ્ર ટીમની મહેનત અને દર્શકોના પ્રેમનું પરિણામ છે. આ અમને વધુ સારા વિષયો પર કામ કરવાની પ્રેરણા આપે છે.”
દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે ઉમેર્યું, “ગુજરાતી સિનેમામાં સાઈકોલોજિકલ હોરર જેવા વિષયને પ્રામાણિક રીતે રજૂ કરી શકવું ગૌરવની વાત છે. આ એવોર્ડ અમારા ટીમ અને દર્શકો બંનેને સમર્પિત છે.”
અભિનેત્રી જાનકી બોડીવાલાએ કહ્યું, “રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળવું મારા માટે સૌથી ખુશીની ક્ષણ છે. હું કૃષ્ણદેવ સર અને સમગ્ર વશ ટીમનો આભાર માનું છું. આ એવોર્ડ મારા અભિનયની કારકિર્દીમાં મોટો માઈલસ્ટોન છે.”
2023માં રિલીઝ થયેલી વશમાં કાળા જાદૂ અને સસ્પેન્સથી ભરપૂર વાર્તા બતાવવામાં આવી છે. જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમારના શક્તિશાળી અભિનયે દર્શકોને અંત સુધી જકડી રાખ્યું. ફિલ્મની અનોખી સિનેમેટોગ્રાફી અને ગાઢ કથાનકને કારણે ફિલ્મને પ્રશંસા મળી અને બૉલીવુડમાં પણ આ ફિલ્મની રીમેક થઇ છે.
આ રાષ્ટ્રીય માન્યતા માત્ર વશ ટીમ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે. સાઈકોલોજિકલ હોરર જેવી અનોખી શૈલીને પ્રદાન કરીને ફિલ્મે રિજનલ સિનેમામાં નવી મિશાલ ઉભી કરી છે.
