ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીનો સંયુક્ત ઉપક્રમ
ભારતીય વિચાર મંચ“ અને “ગુજરાત યુનિવર્સિટી“ દ્વારા આયોજિત, બે દિવસીય કાર્યક્રમ “કર્ણાવતી લોકમંથન“ આગામી 21-22 ઓક્ટોબરના રોજ, ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી સભાગૃહ ખાતે યોજાશે.
સમાજને ફરી લૌકિક રંગમાં રંગવાના પ્રયાસ સાથે, “કર્ણાવતી લોકમંથન“ માં લોકનૃત્ય ગરબા, પ્રખ્યાત લોકનાટ્ય ભવાઈ: જસમા ઓડણ, ભુલાતા ઇતિહાસને સાચવતી લોકવાર્તા, છોટા ઉદેપુરના જનજાતીય સમુદાયનું નૃત્ય ટીમલી, જોડિયા પાવા, મોરચંગ અને રાવણહથ્થા જેવા વિસરાઈ રહેલા ભાતીગળ વાજિંત્રોના સૂર, તેમજ વાર્તા-વાચિકમ સાંભળવા મળશે, તેમજ પરંપરાગત લોક વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે.
આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી ડૉ. નીરજા ગુપ્તા, એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ અને ભારતીય વિચાર મંચના અધ્યક્ષ, શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, શાસ્ત્રીય નૃત્યાંગના અને પદ્મ વિભૂષણ શ્રીમતી સોનલ માનસિંહ, નિવૃત IAS અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, વાર્તાકાર અને નવલકથાકાર શ્રી રામ મોરી, નાટ્યકાર અને લેખક નૈષધ પુરાણી, લેખક અને પ્રયોગશીલ શિક્ષક ડૉ. બિમલ ભાવસાર, VSSK ના સંસ્થાપક શ્રીમતી મિત્તલ પટેલ, તેમજ ફિલ્મકાર અભિષેક જૈન ઉપસ્થિત રહેશે અને, “લોક સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ“ સહિત અનેક સાંસ્કૃતિક વિષય પર ચર્ચા અને મંતવ્યો રજૂ કરશે.
“કર્ણાવતી લોકમંથન“ માં લોકકલા જેવીકે પાટણના પટોળા, ધાંગધ્રાથી સોમપુરા કલાકાર, સુરેન્દ્રનગરથી ટાંગલીયા, કરછી એમ્બ્રોઇડરી, રાજકોટી પટોળા, જુનાગઢથી ખેડૂત મિત્રો, છોટાઉદેપુરથી મોતીકામના કલાકાર, ભાવનગરથી લાકડાના રમકડાંનાં કલાકાર, માતાની પછેડીના કલાકાર ભાનુભાઈ ચિતારા, પદ્મશ્રી, બનાસકાંઠાથી હસ્ત ઉદ્યોગના કારીગર, જામનગરની બાંધણી, અજરખ, બાટીક અને બ્લોક પ્રિન્ટના કાપડ, નર્મદા-ભરૂચથી બામ્બુ કામના કારીગર, છોટાઉદેપુરથી પીઠોરાના કલાકાર પરેશભાઈ રાઠવા, પદ્મશ્રી પણ જોડાશે, તેમજ ડાંગથી નાગલીના રોટલા, વાંસનું અથાણું, છોટા ઉદેપુરથી અડદની દાળનાં ઢેબરા, મકાઈનો રોટલો, સૌરાષ્ટ્રથી જુવાર-બાજરાના રોટલા અને રીંગણનો ઓળો, જૂનાગઢથી અજમા, વરીયાળી, ગુલકંદ અને તજની ફ્લેવરનું મધ, ગાયના દૂધની બાસુંદી અને લાઈવ આઈસ્ક્રીમ, ઉપરાંત અનેક પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે.
આ ઉપરાંત, કાંસ્ય પદ્ધતિથી સારવારના ઉપકરણો, પંચગવ્યનાં સૌન્દર્ય પ્રસાધનો, સાહિત્ય ભંડાર, છોટાઉદેપુરથી કેળના પાનથી બનાવેલ ડાયરી, અને માટીના વાસણોના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં શહેરીજનો અને વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કલાકાર અને કારીગરોનો સીધો સંપર્ક થશે.
“કર્ણાવતી લોકમંથન“ દ્વારા “ભારતીય વિચાર મંચે“ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, જેના પરિણામ સ્વરૂપ આ કાર્યક્રમમાં કરછ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, છોટા ઉદેપુર, દાહોદ, વલસાડ, ડાંગની કલાનું પ્રદર્શન થશે, અને “કર્ણાવતી લોકમંથન“ માં જોડાવવા કલાકારોને નિઃશુલ્ક મંચ પૂરો પાડવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞા પ્રવાહ દ્વારા 2 વર્ષનાં અંતરાલ બાદ “લોકમંથન” નામનો કાર્યક્રમ કરવામાં આવે છે. વર્ષ 2016 થી યોજાતા આ કાર્યક્રમમાં ભારતના લોક સંસ્કૃતિ, પરંપરા, અને વ્યવહાર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ભવ્ય વારસા અને સમૃદ્ધ પરંપરાનો પરિચય લોકોને કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ભોપાલ, રાંચી અને ગુવાહાટી બાદ ચાલુ વર્ષે ભાગ્યનગર(હૈદરાબાદ) માં 21 થી 24 નવેમ્બર દરમિયાન લોકમંથન થવા જઈ રહ્યું છે. આ અગાઉ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ લોકમંથન યોજાઈ ગયો છે.
“आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:“ સુક્તિને સમર્પિત સંસ્થા “ભારતીય વિચાર મંચ“ છેલ્લા 33 વર્ષોથી બૌદ્ધિક ક્ષેત્રે કાર્યરત છે. જેમાં વર્ષ દરમિયાન, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવે છે. “કર્ણાવતી લોકમંથન“ લોકજીવન, લોકકલા અને, લોકપરંપરાના રસપ્રદ પાસાઓને દર્શાવતો એક નવતર પ્રયાસ છે, જેમાં જાહેર જનતાને આમંત્રણ છે.
Top Highlights
- “કર્ણાવતી લોકમંથન“ સાંસ્કૃતિક મેળામાં જોડાશે રાજ્યના કલાકારો
- ગરબા, ટીમલી, ભવાઈ, જોડિયા પાવા, રાવણહથ્થાના રેલાશે સૂર
- વિશ્વ પ્રસિદ્ધ ભવાઈ: જસમા ઓડણ ભજવાશે
- રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ રહેશે વિશેષ ઉપસ્થિત
- નૈષધ પુરાણી સહીત ટીમ જલસો કરશે વાચિકમ
- નાગલીનો શીરો, મકાઈના રોટલા, વાંસનું અથાણું સહિતની પરંપરાગત વાનગીઓ પીરસાશે
આભાર સહ,
“ભારતીય વિચાર મંચ“
કેદાર દેશમુખ
મંત્રી, ભારતીય વિચાર મંચ, કર્ણાવતી
નોંધ: “કર્ણાવતી લોકમંથન“ ની સત્ર સહ માહિતી પુસ્તિકામાં આપેલી છે.