• 25 થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈકળા દર્શાવી
સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને સદવિચાર પરિવારના સહયોગથી અમદાવાદમાં 29મી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કળાનો અનોખો ઉત્સવ (ફૂડ ફેસ્ટિવલ) “સંવેદનાનો સ્વાદ 2024” યોજાયો હતો. અમદાવાદમાં સદવિચાર પરિવાર ખાતે યોજાયેલ આ કૂકિંગ શોમાં 30થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈની કળા દર્શાવી હતી. ખાસ મિલેટ્સ મહોત્સવને ધ્યાનમાં રાખીને આયોજિત આ કૂકિંગ શો “સંવેદનાનો સ્વાદ 2024″માં દરેક મહિલાએ બાજરીમાંથી અવનવી વાનગીઓ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમ મુકેશભાઈ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ સંભારભનું ઉદ્ઘાટન શ્રી ભૂષણભાઈ પૂનાની અને જેનિશબેન પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સંભારભના મુખ્ય મહેમાન તરીકે ડૉ. ભરતભાઈ ભગત અને ડૉ. પંકજભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી શૈલેષભાઇ પટવારી, શ્રી જશુભાઈ કવિ, ડૉ. નદલાલ માનસેતા તથા શ્રીમતી દિપ્તીબેન અમરકોટયાની ખાસ હાજરી રહી હતી.
આ એક નવીન પહેલ અંગે આયોજક શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં જાગૃતતા આવે તે માટેનો છે. સામાન્ય વ્યક્તિની જેમ પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ પોતાની એક અનોખી કળા હોય છે તે આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સાર્થક કરી બતાવ્યું છે. તેઓ પણ આટલી સુંદર રસોઈ બનાવી શકે છે અને જાતે પગભર બની શકે છે. તેમને કોઈ સહારાની જરૂર નથી.”
આજે મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવી રહી છે અને આત્મનિર્ભર બની રહી છે. સામાન્ય મહિલાની જેમ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને પણ આ પ્રકારના પ્લેટફોર્મ મળે તો તેઓ કાંઈ પણ કરી શકે છે અને તેઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરીને સમાજમાં જાગૃતિનો સંદેશ ફેલાવી શકે છે. સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશાથી પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને પગભર કરવા માટે અગ્રેસર રહ્યું છે.