ચાંદરણી ખાતે આવેલા સરહદ ડેરીના પ્લાન્ટમાં 14મી વાર્ષિક સાધારણ સભા તથા મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દૂધ સંઘ દ્વારા વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકો, મહિલા દૂધ મંડળીઓ, તેમજ પશુપાલકોને વધુ સરહદ દાણ પૂરી પાડતી મંડળીને રોકડ ઈનામ, પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે આકસ્મિક વીમા યોજના તળે મૃતક પશુપાલકને શ્રદ્ધાંજલિ આપી તેમના વારસદારને 1 લાખ રૂપિયાની ચુકવણી તથા 416 પશુપાલકોને બેન્ક મારફતે 9 કરોડ રૂપિયાનું પશુ ધિરાણ અપાવેલું.
જ્યારે વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી આસી.જનરલ મેનેજર નીરવ ગુસાઈએ હાથ ધરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલે પાશપલકોને સંબોધતા ગત વર્ષે 914 કરોડનું આજ દિન સુધીનું સૌથી ઊંચું ઐતિહાસિક ટર્નઓવર હાંસિલ કરેલું છે. આગામી વર્ષમાં 7 લાખ લીટર દૈનિક દૂધ ઉત્પાદનના લક્ષ્યાંક સાથે 1100 કરોડનો ટર્નઓવર હાંસિલ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. ભવિષ્યના આયોજનમાં ક્લસ્ટર BMC શરૂ કરવાનું, 100 કરોડના ખર્ચે 50 હજાર લીટર દૈનિક ક્ષમતાનો આઈસક્રીમ પ્લાન્ટ, ઓર્ગેનિક પેદાશો અને મધ પ્રોજેક્ટ, મીઠા પ્રોજેક્ટ વગેરેનું આયોજન છે તેવું તેમણે જણાવ્યુ હતું.
રાષ્ટ્રીય કક્ષાની નેશનલ કો.ઓપેરેટિવ ઓર્ગેનિક લી.માં ભારતભરમાંથી પાંચ પૈકી એક વલમજી ભાઈ હુંબલની ડાયરેક્ટર તરીકે પસંદગી થતાં સ્ટેજના તમામ મંચસ્તોએ ખાસ વિશિષ્ટ સન્માન કર્યું હતું. જ્યારે વલમજી હુંબલે NCOLના ડાયરેક્ટર તરીકે તેમની પસંદગી કરવા બદલ નરેન્દ્ર મોદી તથા સહકાર મંત્રી અમિતશાહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય પ્રદયુંમનસિંહ જાડેજાએ તેમના અંદાજમાં હરીફાઈની પરિસ્થિતિમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અનુસરવા, દોહનની સાચી પધ્ધતિ, ખપરી જેવા રોગના નિદાન માટેના ઉપચાર, ચરિયાણનો સાચો સમય અને ઘાસચારાના સંગ્રહ વિશે પશુપાલકોને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.